Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મોરબીમાં રૂપિયાની ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ કરી માર મારનાર બંને આરોપી ઝડપાયા.

ઝડપાયેલા બંને આરોપી એક દિવસના પોલીસ રિમાન્ડ પર.

મોરબી શહેરના કંડલા બાયપાસ નજીક પૈસાની ઉઘરાણી મામલે બે શખ્શોએ યુવાનનું અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે બંને ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી હતી

  મોરબીના સ્કાયમોલ સામે ભારતનગરમાં રહેતા ચેતનભાઇ કાંતિલાલ બજાણીયાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં આરોપી યોગેશ કાસુન્દ્રા અને રઘો મેરજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે 2010માં તેમણે મુંબઈ ખાતે ટાઇલ્સનો શોરૂમ શરૂ કર્યો હતો અને એ વખતે મોરબીનો જીગ્નેશ કૈલા તેના સંપર્કમાં આવ્યો હતો.ત્યારે જીગ્નેશ પાસેથી ચેતનભાઇએ 3.34 લાખ રૂપિયા લીધેલા હતા અને 2012માં મુંબઈ ખાતે ટાઇલ્સ નો શો-રૂમ બંધ કરી દીધેલો હતો. જીગ્નેશ ને કટકે ખટકે અત્યાર સુધીમાં ચેતનભાઇએ રૂપિયા 2.70 લાખ આપી દીધેલ છે અને હજુ 64,000 આપવાના બાકી રહેલા છે.

 ત્યારે 14 જાન્યુઆરીના રોજ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ચેતનભાઇ ક્રિષ્ના હોટેલ પાસે કંડલા બાયપાસ રોડ ઉપર નાસ્તો કરવા માટે ઉભા હતા એ સમયે આરોપી યોગેશ અને રઘો આવ્યા હતા. જ્યાં આવીને યોગેશે કહ્યું  હતું કે,જીગ્નેશ કૈલાના ટાઇલ્સના ધંધાના નીકળતા રૂપિયા મારે બારોબાર લેવાના છે તું કેમ આપતો નથી‘ તેમ કહી મોટરસાયકલમાં બળજબરીથી ચેતનભાઇને બેસાડીને ક્રિષ્ના સ્કૂલની સામે આવેલ હરીદર્શન ફ્લેટ બી-702 ખાતે લઈ ગયા.
 ત્યાં ચેતનભાઇને મોડી રાત સુધી બંને શખ્શોએ ચેતનભાઇને ધોકા વડે ઢોરમાર માર્યો હતો. અને ચેતનભાઇને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. ત્યારબાદ વહેલી સવારે મોટર સાયકલમાં યોગેશ તથા રઘો બંને ફ્લેટમાંથી બહાર નીકળી અને ચેતનભાઇને શનાળા રોડ પર લઈ ગયા. જ્યાં એક સફેદ કલરની ઇકો સ્પોર્ટ્સ ગાડી આવેલી અને તેમાં ચેતનભાઇને બેસાડીને શનાળા રોડ થી લક્ષ્મીવાસ પીપળીયા ચાર રસ્તાથી આગળ લઈ ગયેલા ત્યાં પ્રસંગ ચાલતો હોવાના કારણે ગાડી ઊભી રાખવી પડી. એ સમયે ચેતનભાઇએ લઘુશંકાનું બહાનું બતાવીને કારની બહાર નીકળ્યા હતા અને નજર ચુકાવીને ત્યાંથી નાસી ગયા હતા. જે બનાવ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી યોગેશ કાસુન્દ્રા અને આરોપી રઘો મેરજા એમ બે વિરુદ્ધ અપહરણ અને મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને બંને આરોપીને ઝડપી લઈને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા

(10:42 pm IST)