Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ઉપલેટાની ૧ાા વર્ષની દિકરી સિયાના હૃદયનું સફળતાપૂર્વક ઓપરેશન : આયુષ્‍યમાન કાર્ડની સુવિધા

૨૦૨૨માં રાજકોટ જિલ્લાના હૃદય - કિડની - કેન્‍સરમાં ૧૯૬ બાળકોને સારવાર અપાઇ પરિવાર મજૂરી કામ કરે છે : અમદાવાદની યુ એન મહેતા હોસ્‍પિટલમાં સફળ સર્જરી

રાજકોટ તા. ૨૦ : જયારે કપરી પરિસ્‍થિતિ અને વિવશતાનો અંધકાર ચોતરફ ફેલાય જાય ત્‍યારે આશાનું એક કિરણ  મુશ્‍કેલીઓને પરાસ્‍ત કરવા માટે કાફી છે. આવી સ્‍થિતિનો અનુભવ કર્યો છે ઉપલેટામાં રહેતા મુકેશભાઈ અને તેમના પત્‍ની પૂજાબેન પરમારે. જયારે તેમને ખબર પડે છે કે તેમની ડોઢ વર્ષની દિકરી સિયાને હદયની બિમારી છે. ત્‍યારે દિકરીના સ્‍વાસ્‍થ્‍ય માટેની ચિંતાના અંઘકારમાં ઘેરાયેલાં દંપતિ માટે સરકારની આરોગ્‍ય નીતિ આશાનું કિરણ બનીને આવે છે અને યોગ્‍ય સારવાર મળતાં સિયાનું જીવન સુરક્ષિત થાય છે.

સરકારનો આભાર માનતાં અને આયુષ્‍માન કાર્ડ યોજનાને વખાણતાં સિયાની જનેતા પૂજાબેને જણાવ્‍યું હતું કે, સિયા સતત રડ્‍યા કરતી અને ખોરાક પેટમાં રહેતો નહીં. ખાનગી હોસ્‍પિટલોમાં અલગ અલગ જગ્‍યાએ બતાવવા છતાં તબિયતમાં સુધારો આવ્‍યો નહીં. અંતે સરકારી ડોકટરોએ સિયાને તપાસી તો ખબર પડી કે, સિયાના હદયમાં પાણી ભરાઈ છે. આ સાંભળતા જ અમારી ચિંતા વધી ગઈ. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા અમારા જેવા પરિવારો માટે હોસ્‍પિટલને લગતી બાબતોનો મોટો આર્થિક ખર્ચ કેમ કરીને પોસાય એમ નથી. પરંતુ ઉપલેટાની આર.બી.એસ.કે ટીમના સહયોગથી અમારી સિયાનું અમદાવાદની યુ.એન.મહેતા હોસ્‍પિટલમાં આયુષમાન કાર્ડ કાઢીને સારી રીતે ઓપરેશન થયું. સતત રડતી મારી સિયા આજે હસતી ખેલતી થઈ છે. જો સરકારની આયુષ્‍માન કાર્ડ સેવા ન હોત તો અમારા માટે કપરું બની જાત.

ઉપલેટાં તાલુકામાં તાલુકા હેલ્‍થ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડો.નયન લાડાણીએ સોશિયલ બિહેવીઅર ચેન્‍જ કોમ્‍યુનિકેશન (SBCC) અંગે વાત કરતાં જણાવ્‍યું હતું કે, (SBCC) અંતર્ગત લોકોના આરોગ્‍ય માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મેડીકલ ઓફિસર, RBSK મેડીકલ ઓફિસર, તાલુકા મલ્‍ટી પર્પઝ સુપરવાઈઝર, તાલુકા ફિમેલ હેલ્‍થ સુપરવાઈઝર અને કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસરનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૨માં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ ૧૯૬ બાળકોની સારવાર કરવામાં આવી છે. જેમાં ૧૨૨ હદય, ૧૧ કોંકલીયર ઈમપ્‍લાન્‍ટ, ૨૭ કિડની અને ૩૬ કેન્‍સરની બિમારીનું નિદાન કરવામાં આવ્‍યું છે.

(1:10 pm IST)