Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

પોરબંદરના મંડળનો રાસ રાષ્‍ટ્રીય યુવા મહોત્‍સવમાં દ્વિતીય વિજેતા વિજેતા ટીમ રાજયના મંત્રી હર્ષ સંઘવીની શુભેચ્‍છા મુલાકાતે

પોરબંદર પંથકના ચામુંડા રાસ મંડળના કલાકારોએ યુવા સેવા સાંસ્‍કૃતિક મંત્રી હર્ષ સંઘવીની શુભેચ્‍છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર.

ગાંધીનગર,તા. ૨૦: કર્ણાટકના હુબલી ખાતે આયોજીત ૨૬માં રાષ્ટ્રીય યુવા ઉત્‍સવ-૨૦૨૩માં લોકનૃત્‍યની સ્‍પર્ધામાં શ્રેષ્ઠ પર્ફોમન્‍સ રજૂ કરનાર ગુજરાતની ટીમે દ્વિતીય નંબર હાંસલ કર્યો હતો. આ વિજેતા ટીમે યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના રાજયકક્ષાના મંત્રી શ્રી હર્ષ સંઘવીની શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજય કક્ષા અને પ્રદેશ કક્ષાએ યોજવામાં આવતા યુવા ઉત્‍સવમાં વિજેતા બનનાર સ્‍પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા બતાવવાની તક મળે છે. આ વખતે પોરબંદર જિલ્લાની ચામુંડા રાસ મંડળ દ્વારા હુબલી ખાતે મણિયારો રાસ રજૂ કરવામાં આવ્‍યો હતો જેમાં તેને બીજો નંબર પ્રાપ્ત થયો હતો. જયારે પ્રથમ નંબરે પંજાબ રાજય અને ત્રીજા નંબરે કેરલા રાજયની ટીમ આપી હતી.

આ યુવા ઉત્‍સવનો વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તા.૧૨મી જાન્‍યુઆરી ૨૦૨૩ના રોજ આરંભ કરાવ્‍યો હતો. આ શુભેચ્‍છા મુલાકાત દરમ્‍યાન સ્‍વામી વિવેકાનંદ યુવક બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી વિશનસિંઘ વેદી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના વહીવટી અધિકારી અને ઈન્‍ચાર્જ યુથ બોર્ડ ઓફીસર રસિકભાઈ મકવાણા તેમજ હુબલી ખાતે ટીમ મેનેજર તરીકે ગયેલ મોરબી જિલ્લાના જિલ્લા યુવા વિકાસ અધિકારી હીરલબેન દવે તેમજ અમરેલીના જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમાર ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:20 pm IST)