Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મોરબીમાં તો પાણીના શુદ્ધિકરણ માટે એન્જીનીયર જ નથી! : કાઉન્સિલરની મુખ્યમંત્રીને રજૂઆત.

મોરબીના મુખ્ય મંત્રી શહેરી વિકાસ કમીટીના ચેરમેન તથા નગરપાલીકા વોર્ડ નં.-૪ના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને નગરપાલિકામાં નવા સ્ટાફની ભરતી કરવા અંગેનો પત્ર લખીને રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, 403ના મજૂર મહેકમ વચ્ચે માત્ર 146 સ્ટાફથી ચાલતી પાલિકામાં 1990ની સાલમાં મહેકમ મંજુર થયા બાદ નવા સ્ટાફની ભરતી જ ન થઈ. મોરબીની વિવિધ સમસ્યાઓ વર્ષોથી નથી ઉકેલાતી એમાં મોરબી પાલિકામાં સ્ટાફ ઘટની સમસ્યા મહદઅંશે જવાબદાર મનાય છે. કારણ કે નવા સ્ટાફની ભરતી જ ન થઈ હોવાથી દર વર્ષે વય મર્યાદાને કારણે ઘણા કર્મચારીઓ છુટા થતા જાય છે અને સ્ટાફ ઉત્તરોતર ઘટી રહ્યો છે. આથી 403ના મજૂર મહેકમ વચ્ચે માત્ર 146 સ્ટાફથી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી પાલિકા ચાલે છે. આ ઉપરાંત મહત્વની બાબત એ છે કે પાણીના શુદ્ધિકરણ માટે ટેકનીકલ સ્ટાફ અને એન્જીનીયરનો અભાવ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,હવે સ્ટાફની સમસ્યા ઓક્સિજન પર આવી ગઈ છે. 1990માં નગરપાલિકાનું 503 સ્ટાફનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારબાદ બેથી ત્રણ વખત ફેરફાર કરી 2006માં 20 ટકાનો કાપ મૂકી 403 સ્ટાફનું નવું મહેકમ મંજુર કરવામાં આવ્યું હતું. નગરપાલિકાનો વિસ્તારમાંનો વ્યાપ અને વસ્તી ઘણી વધી હોવા છતાં જૂનું સેટઅપ બદલાયું નથી.હાલ મોરબી પાલિકામાં વર્ગ-3માં મંજુર થયેલા 87માંથી આઉટડોર અને ઇન્ડોર મળીને 20, વર્ગ-4માં મંજૂર થયેલા 148માંથી 60નો સ્ટાફ તેમાંય વર્ગ-2માં એકપણ સ્ટાફ નથી. તેવું તેમણે જણાવ્યું હતું.
  વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જેમાં મહત્વના કહી શકાય તેવા ડેવલપમેન્ટ એન્જીનીયર, હેલ્થ ઓફિસર, એકાઉટન્ટની કાયમી નિમણૂક ન કરાતા એ સ્ટાફ કરાર આધારિત જ ચાલે છે. તેમાંય પાણીના શુદ્ધિકરણ, ડ્રેનેજ,અને ઇલેક્ટ્રિક માટે ટેકનીકલ સ્ટાફ,બાહોશ એન્જિનિયરો પણ નથી. એટલે હાલ 146 સ્ટાફથી આખી નગરપાલિકાનો વહીવટ ચાલે છે. હાલ હયાત 146માંથી આગામી ત્રણ વર્ષમાં જુના 64 જેટલો સ્ટાફ રિટાયર્ડ થતો હોવાથી વહેલીતકે નવી ભરતી ન થાય તો મુશ્કેલી વધશે.એટલે કાયમી ગેઝટેડ ઓફિસર અને ક્વોલિફાઇડ સ્ટાફનો અભાવ હોવાથી પાલિકાનો વહીવટ અને પ્રજાના કામો સાવ ધીમી ગતિએ થાય છે. તેવું તેમણે જણાવ્યું હતું.

(11:17 pm IST)