Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સરકારની કારણદર્શક નોટીસને પગલે મોરબી નગરપાલિકાની તા. ૨૩ ના રોજ સામાન્ય સભા મળશે.

મોરબીના ઝૂલતો પુલ દુર્ઘટનામાં નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને પદાધીકારીઓની બેદરકારીને પગલે નગરપાલકા સુપરસીડ કરવાની હિલચાલ વચ્ચે ૧૮ જાન્યુઆરીના રોજ સરકાર તરફથી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તેનો જવાબ આપવા કારણદર્શક નોટીસ આપવામા આવી છે ત્યારે આગામી તા. ૨૩ ના રોજ પાલિકાની સામાન્ય સભા મળશે તેવી માહિતી આધારભૂત સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે
  ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા. ૧૮ જાન્યુઆરીના રોજ નગરપાલિકાના પ્રમુખને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હતી જેમાં જણાવ્યું છે કે નગરપાલિકાને જે જવાબદારી સોપવામાં આવી છે તે જવાબદારી નિભાવી સકે તેમ ના હોય અને ચૂંટાયેલી પાંખ સામાન્ય સંજોગોમાં પોતાની પ્રાથમિક ફરજો બજાવવામાં અસમર્થ છે જેથી અધિનિયમ કલમ ૨૬૩ (૧) થી મળેલ સત્તાની રૂએ મોરબી નગરપાલિકાને તેની કામગીરી કરવામાં અસમર્થ હોવાનું જાહેર કરવાનો અને મોરબી નગરપાલિકાને અધિનિયમની કલમ ૨૬૩ (૧) હેઠળ વિસર્જિત કરવાનો હુકમ ગુજરાત સરકારે શા માટે જાહેર કરવો નહિ તે અંગે તા. ૨૫ સુધીમાં નગરપાલિકાના સામાન્ય સભાના ઠરાવ સ્વરૂપે લેખિત ખુલાસો કરવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા બાદ મામલો ખુબ ગાજ્યો હતો જેમાં પાલિકાના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની બેદરકારી પણ સામે આવી હતી અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા સરકાર પક્ષે નગરપાલિકા સુપરસીડ કરવા અંગે જણાવ્યું હતું અને હવે કારણદર્શક નોટીસ ફટકારી છે જેને પગલે તા. ૨૩ ના રોજ નગરપાલિકાની સામાન્ય સભા મળશે તેવી માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે અને સામાન્ય સભામાં તમામ સદસ્યો શું અભિપ્રાય આપે છે અને સરકારમાં શું જવાબ રજુ કરશે તે જોવું રહ્યું.

(11:18 pm IST)