Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

કાલે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી : મતદાન પહેલા સ્લીપમાં છબરડા

વોર્ડ નં. ૮ માં આવેલ સરદાર પટેલનગરમાં વેણુ રેસીડેન્સીમાં એક જ ફલેટના બિલ્ડીંગમાં ર અલગ-અલગ વોર્ડની સ્લીપો મળી

જામનગર : તસ્વીરમાં મળેલ મતદાન સ્લીપો અને લતાવાસીઓ નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૦ : કાલે જામનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાઇ છે અને તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને જામનગરની ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે ર૩૬ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

જેમાં ભાજપના ૬૪, કોંગ્રેસના ૬ર, 'આપ'ના ૪૮ તથા અન્ય પક્ષના ૬ર ઉમેદવારો મેદાનમાં છે.

મતદાન પહેલા સ્લીપમાં છબરડા જોવા મળતા દોડધામ મચી ગઇ છે.

જામનગરના વોર્ડ નંબર ૮માં આવેલ સરદાર પટેલ નગરમાં વેણુ રેસિડેન્સીમાં એક જ ફ્લેટના બિલ્ડીંગમાં બે અલગ-અલગ વોર્ડની સ્લીપો મતદાન પૂર્વે મળી છે.  વોર્ડ નંબર-૮માં આવેલ ૬૫ દિગ્વિજય પ્લોટ વિસ્તારના આ એપાર્ટમેન્ટમાં કુલ ૫ ફ્લેટ આવેલા છે. જેમાં ૫ પરિવારોમાં ૨૦ જેટલા મતદારો રહે છે. ગઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ તમામ ફ્લેટના રહેવાસીઓએ વોર્ડ નંબર ૮માં મતદાન કર્યું હતું .

 પરંતુ આ વર્ષે આ એપાર્ટમેન્ટમાં ૨૦ મતદારોમાંથી ૯ મતદારોને વોર્ડ નંબર ૮ના બદલે ૧૪ નંબરના વોર્ડની મતદાન માટેની સ્લીપ મળતા અસમંજસમાં મુકાયા છે.

મતદાનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે  તાજેતરમાં મતદાર યાદી સુધારણા માં એક જ ફ્લેટમાં અલગ-અલગ બે વોર્ડના મતદારો કેમ હોય તે વાત પણ સ્થાનિકોને ગળે ઉતરતી નથી. મહાપાલિકાના કુલ ૧૬ વોર્ડ છે. દરેક વોર્ડમાં ૪ કોર્પોરેટરો થતા ૬૪ કોર્પોરેટરો થશે. કુલ ૪,૭૬,૬૬૮ મતદારો છોે.  આ વખતે તમામ પક્ષોમાં અનેક નવા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં છે. રાજકીય પક્ષોના પ્રાદેશિક આગેવાનોની સભાઓ યોજાઇ ચુકી છે. આ ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે છે. કારણ કે આ ત્રણેય પક્ષોના ઉમેદવારો સૌથી વધુ છે. ત્રિપાંખિયા જંગ છે.

(12:44 pm IST)