Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ધ્રોલના માણેકપર હાડાટોડા, હજામચોરા, માર્ગ જર્જરીત થતા લોકો ત્રાહીમામ

તંત્ર નિંદ્રામાં : રોડ પર ઠેર ઠેર ખાડા નાના મોટા અકસ્‍માતોઃ જવાબદાર કોણ ?

(સંજય ડાંગર  દ્વારા) ધ્રોલ, તા. ર૦: ધ્રોલના માણેકપર - હાડાટોડા - હજામચોરા ગામોને જોડતો રોડ છેલ્લા નવ વર્ષથી એકદમ બીસ્‍માર હાલતમાં થઇ ગયો છે. રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. જેનાં કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાનાં કારણે નાનામોટા અકસ્‍માતો પણ અવારનવાર થતા રહે છે. અનેક વખત રજુઆત છતાં તંત્ર દ્વારા બનાવવામાં આળસ કરાઇ રહી છે.

ધ્રોલથી માણેકપર હાડાટોડા હજામચોરા વિગેરે ગામોને જોડતો અને કચ્‍છ તરફ જવા માટેના કોસ્‍ટલ હાઇવેને જોડતો રોડ મગરની પીઠ સમાન થઇ ગયો છે. ધ્રોલ થી બાલંભા આમરણ જનાર નાના વાહન ચાલકો માથાના દુખાવા સમાન રસ્‍તો અત્‍યંત જર્જરીત થઇ ગયો છે. રોડ પર મોટા મોટા ખાડા પડી થયા છે. જેનાં કારણે ગ્રામજનોને પોતાના વાહનોને લઇ આ રોડ પર નિકળવું માથાના દુખાવા સમાન થઇ ગયું છે. ગ્રામીણ વિસ્‍તારની પ્રસુતાᅠ મહીલાઓને તાલુકા કે જીલ્લા મથક સુધી લઇ જવામાં ભારે મુશ્‍કેલીનો સામનો પડે છે. ખાડાઓ અને રોડ પરનાં ડામરમાં પડી ગયેલી કડનાં કારણે બાઇક ચાલકો સ્‍લીપ થઇ અકસ્‍માત થવાનાં બનાવો પણ બન્‍યા છે. તાજેતરમાં જ એક કાર ચાલક ખાડો તારવવા જતાં કાર રોડ પરથી નીચે ઉંધી પડી ગઇ હતી. વારંવારની રજુઆતોને તંત્ર દ્વારા ધ્‍યાને લેવાતી નથી એવો સ્‍થાનિકો આક્રોશ વ્‍યકત કરી રહયા છે. તાત્‍કાલીક રોડ બનાવા લોકો ની માંગ ઉઠી છે.

(12:49 pm IST)