Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

વિરનગરમાં ઓકિસજનની સુવિધા શરૂ ન થતા ભાજપના સભ્યની રાજીનામાની ચિમકી

વિરનગરમાં ભાજપના આગેવાનોને પ્રવેશબંધી-એકપણ મીટીંગ નહી થવા દેવાયઃ દક્ષાબેનના પતિ પરેશભાઇ રાદડિયાએ બળાપો કાઢયો

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ર૦ :.. વિરનગરની શિવાનંદ મિશન હોસ્પિટલમાં મુખ્યમંત્રી અને કલેકટરની જાહેરાત બાદ દશ દિવસ પછી પણ ઓકિસજનની સુવિધા ચાલુ ન થતા આટકોટ જીલ્લા પંચાયતના સભ્ય અને વિરનગરના રહેવાસી દક્ષાબેન પરેશભાઇ રાદડીયાએ ભાજપના સભ્યપદેથી રાજીનામાની ચિમકી આપતા ભારે ચર્ચા જાગી છે.

વિરગનર શિવાનંદ હોસ્પિટલમાં પ્રથમ લોકડાઉન વખતે ૧૦૦ બેડની કોવિડ કેર હોસ્પીટલ ચાલુ કરવામાં આવી હતી આ લહેરમાં લોકોને ઓકિસજનની વધારે જરૂરત હોય કુંવરજીભાઇ બાવળીયાએ કલેકટરને ધ્યાન દોરી પ૦ બેડમાં ઓકસિજન સાથે વ્યવસ્થા કરવાનું કહેતા તંત્ર દ્વારા મોટે ઉપાડે જાહેરાત કરી તુરંત વ્યવસ્થા કરવા કહયુ હતું પરંતુ આજે દસ દિવસ પછી પણ કોઇ જ કાર્યવાહી ન થતા ગઇકાલે સ્થાનીક જીલ્લા પંચાયતના સભ્ય દક્ષાબેન પરેશભાઇ રાદડીયાએ જીલ્લા ભાજપ પ્રમુખ અને જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરને રાજીનામુ દેવાની અને પોતાને આપેલ ગ્રાન્ટ પણ પરત લેવાની ચિમકી દેતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

આ અંગે દક્ષાબેનના પતિ પરેશભાઇ રાદડીયાએ આજે બળાપો કાઢતા જણાવ્યું હતુ કે વિરનગરમાં સ્થાનિક શિવાનંદ મિશન દ્વારા કોવિડ હોસ્પિટલ માટે બધી જ વ્યવસ્થા કરી છે તંત્ર દ્વારા માત્ર સ્ટાફ અને ઓકિસજનની જ વ્યવસ્થા કરવાની હોય હજુ સુધી ઓકિસજનની કોઇ જ વ્યવસ્થા ન થઇ હોય હું હવે મારા મતદારોની પીડા જોઇ શકતો ન હોય જો એકાદ દિવસમાં ઓકિસજનની વ્યવસ્થા નહીં થાય તો રાજીનામુ દઇ દઇશ.

પરેશ રાદડીયાના રાજકીય ગુરૂ અરજણભાઇ રામાણીએ પણ ગઇ કાલે જસદણમાં પૂર્વ ધારાસભ્ય ડો.ભરત બોઘરાને પણ આ અંગે ઘટતુ કરવા જણાવ્યું છે.

પરેશ રાદડીયાના જણાવ્યા મુજબ વિરનગરમાં દર્દીઓને યોગ્ય સારવાર ન મળતા ૧૫ જેટલા મૃત્યુ થયા છે.

પરેશ રાદડીયા અને તેમના રાજકીય ગુરૂ અરજણભાઇ રામાણીએ સંયુકત નિવેદનમાં જણાવ્યુ છે કે વિરનગરમાં આજ પછી ભાજપના આગેવાનોને પ્રવેશબંધી સાથે કોઇ પણ મીટીંગ પણ નહીં થવા દેવામાં આવે.

આ બનાવે જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો છવાઇ ગયો છે અને પરેશને મનાવવા પ્રયાસો ચાલુ કરી દીધા છે.

(12:53 pm IST)