Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

પૂ.મોરારીબાપુના વ્યાસાસને રાજુલામાં ઓનલાઇન શ્રી રામકથાનો પ્રારંભ

રાજુલા, તા.૨૦: શ્રી વૃંદાવન ધામ રામપરા, અને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર રાજુલા ના લાભાર્થે ૧૪ થી ૧૬ માર્ચ ૨૦૨૦ દરમિયાન ત્રણ દિવસના કથાગાન પછી પૂજય બાપુએ કોરોનાનાં કારણે રામકથાને મુલતવી રાખી હતી. પરંતુ શ્રી હનુમાનજી મહારાજ હજુ પણ ત્યાં જ બિરાજમાન હોવાથી બાકીના છ દિવસની રામકથાનું ગાન આજથી શરૂ થયુ છે અને  ૨૦ થી ૨૫ એપ્રિલ દરમિયાન કથા સ્થળ પર જ થશે. આ કથામાં વ્યાસપીઠની સંગત કરનાર ગાયકો- વાદકો, સંગીતની દુનિયાની સાઉન્ડ સિસ્ટમ અને વીડિયોગ્રાફી માટેની ટીમ સિવાય અન્ય કોઈ શ્રોતાઓએ રૂબરૂ કથા શ્રવણ માટે આવવાનું રહેતું નથી.

જે કારણોસર આજથી એક વર્ષ પહેલાં, માનસ મંદિરે કથાને મુલતવી રાખવામાં આવી હતી, એ જ કારણોસર બાકીના છ દિવસની કથાનું ગાન પૂર્ણ કરીને, પૂજય બાપુ રામકથાને વિરામ આપશે. જેનું લાઈવ પ્રસારણ આસ્થા ટીવી અને ચિત્રકુટધામ તલગાજરડાની યૂ ટ્યૂબ ચેનલ મારફતે જોઈ સાંભળી શકાશે.

ઉલ્લેખનીય છે કે પૂજય બાપુએ આ પૂર્વેની હરિદ્વારની રામકથામાં વ્યાસપીઠ પરથી સાર્વજનિક સંદેશ પ્રસારિત કરતાં કહ્યું હતું કે -

'રામપરાની કથામાં કોઈ શ્રોતાએ આવવાનું નથી.'

આજે રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર તેમજ રામકથા સમિતિના અન્ય સદસ્યો, ઉપરાંત શ્રી માયાભાઈ આહીર,શ્રી ભરતભાઈ (વીરપુર), ચીમનભાઈ વાદ્યેલા વગેરે સહુ પૂજય બાપુની રૂબરૂ મુલાકાતે ગયા હતા. માત્ર રાજય કે રાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું મંગલ ઇચ્છતા પૂજય બાપુએ કોરોનાની વર્તમાન વૈશ્વિક આપત્ત્િ। વખતે - રાષ્ટ્રહિત માટે, શ્રોતા વિનાજ રામકથાનું ગાન કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. એ સંદર્ભમાં રાજુલાના યુવાન અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેરે જાહેર જનતાજોગ અખબારી યાદીમાં જણાવ્યું છે કે રામપરા- રાજુલાની કથા સહુ શ્રોતાઓએ ઓનલાઇન સાંભળવી. પૂજય મોરારીબાપુની સુચના અને ઈચ્છા મુજબ તેમ જ રામકથા આયોજન સમિતિના સભ્યો અને યજમાન પરિવાર વતી શ્રી અમરીશભાઈએ કોઈ પણ શ્રોતાએ રૂબરૂ કથાશ્રવણ માટે નહીં આવવા નમ્ર અપીલ કરી છે.

(1:00 pm IST)