Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

જામનગરમાં તરૂણીએ ઓકિસજનના અભાવે માતાના ખોળામાં જ છેલ્લા શ્વાસ લીધા

સવારે ૧૧ વાગ્યાથી લાઈનમાં ઉભા રહ્યા પરંતુ વારો ન આવ્યોઃ મૃત્યુ થતા પોસ્ટમોર્ર્ટમમાં પણ લાઈનમાં ઉભુ રહેવુ પડશે તેવુ લાગતા પીપીઈ કીટ પહેરાવ્યા વગર તરૂણીને લઈને પરિવારજનો જતા રહ્યા

જામનગરઃ તસ્વીરમાં જી.જી. હોસ્પીટલમાં કોરોનાગ્રસ્ત તરૂણી સાથે પરિવારજનો હોસ્પીટલમાં જવા માટે રાહ જોઈ રહ્યા હતા તે નજરે પડે છે (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૦ :. જામનગરની જી.જી. હોસ્પીટલમાં સમયસર સારવાર ન મળતા ૧૪ વર્ષની તરૂણીનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરની સરકારી જી.જી. હોસ્પીટલ બહાર દરરોજ કોરોના પોઝીટીવ દર્દીઓને લઈને સારવાર માટે એમ્બ્યુલન્સો અને ખાનગી વાહનોમાં સગાસંબંધીઓ આવે છે. જ્યાં લાંબા સમય સુધી પ્રતિક્ષા કર્યા બાદ સારવાર મળે છે, ત્યારે આજે બપોરે એક ખૂબ જ કરૂણ ઘટના સર્જાય છે. જેમા જામનગરની જી.જી. હોસ્પીટલમાં કાર નં. જીજે ૧૦ ડીએ ૦૧૧૪માં પરિવારજનો પોતાની ૧૪ વર્ષની તરૂણીને લઈને બપોરે ૧૧ વાગ્યાથી લાઈનમા ઉભા રહ્યા હતા.

કોરોનાગ્રસ્ત તરૂણીને હોસ્પીટલમાં વારો અને તેની સારવાર ઝડપથી શરૂ થાય તે માટે તેઓ મહેનત કરતા હતા પરંતુ કમનસીબે આ તરૂણીને સમયસર સારવાર ન મળી અને ઓકિસજન માટે ઝંખતી તે ૧૪ વર્ષની તરૂણીએ કારમાં પોતાના માતાના ખોળામાં જ અંતિમ શ્વાસ લઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

તરૂણીના મૃત્યુ બાદ પણ પરિવારજનો ખૂબ જ ચિંતિત હતા અને પોસ્ટમોર્ટમ માટે પણ લાઈનમાં ઉભુ રહેવુ પડશે તેવુ વિચારતા હતા. આ દરમિયાન તેઓએ હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર અને પીપીઈ કીટ પહેરાવ્યા વગર તરૂણીને પોતાની કારમાં લઈને નિકળી ગયા હતા.

પીપીઈ કીટ પહેરાવ્યા વગર મૃતદેહને લઈ જતા કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવી ચિંતા પ્રસરી ગઈ છે.

આ બનાવથી એક વાત તો ચોક્કસ છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ખાનગી અને સરકારી હોસ્પીટલોમાં દર્દીઓ અને તેના સગાસંબંધીઓની લાઈનો લાગે છે પરંતુ તંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં ન આવતા દરરોજ અસંખ્ય લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા દર્દીઓને વહેલી સારવાર મળે તે દિશામાં વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.

(3:22 pm IST)