Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

આપણી બુદ્ધિ માં બ્રહ્મ નું પ્રતિફલિત થવું જ ભગવાન નો અવતાર છે : દ્વારકાના શ્રીસદાનંદ સરસ્વતી મહારાજ

(વિનુભાઈ સામાણી દ્વારા) દ્વારકા તા.૨૦, દ્વારકાના સ્વામી શ્રીસદાનંદ સરસ્વતીએ રામનવમી વિશે પ્રાસંગિક વાત રજૂ કરતાં જણાવ્યું છે કે રામ બ્રહ્મ પરમારથ રૂપા શ્રીરામના વિષય માં બે પ્રકારની દૃષ્ટિ થી વિચાર કરવામાં આવ્યો છે આધ્યાત્મિક અને ઐતિહાસિક.આધ્યાત્મિક દૃષ્ટિ એ જોનારા માટે શ્રીરામ અવતાર છે, પુરુષોત્તમ છે. એમના માં નથી કોઈ ગુણ કે દોષ, નથી અવગુણ. તેઓ સ્વયં સાક્ષાત ભગવાન વિષ્ણુ જ છે અને સીતાજી તો લક્ષ્મી દેવી જ છે. રામદૂત હનુમાનજી પણ દેવતા છે, એટલું જ નહીં કેટલાક લોકો ના તો કુળદેવતા હનુમાનજી છે.  રામાયણ તો જ્ઞાન અને ભક્તિ પ્રધાન ગ્રંથ છે. વિદ્વાનો એ વ્યાખ્યા કરતું લખ્યું છે કે રામાયણ માં તો વેદાંત નું રહસ્ય સમાયેલું છે.  આ વિચારધારા હેઠળ હિંદુઓ અને એમાં પણ વૈષ્ણવો વિશેષ રૂપે રામાયણ ની પૂજા કરે છે. બીજા ના લોકો શ્રીરામચંદ્ર ને આદર્શ મહાપુરુષ માને છે. તેઓ માત્ર ઐતિહાસિક દૃષ્ટિ એ જ વિશ્લેષણ કરે છે. આ દૃષ્ટિથી જોનાર ક્યારેક અસ્તિ-નાસ્તિ ની ચકાસણી માં જ અટવાયેલા રહે છે. ઉપરથી શંકા કરે કે સાચે શ્રીરામ ઐતિહાસિક પુરુષ છે? એવો તર્ક આપે છે કે કદાચ રામાયણ એ કોઈ નીતિવિષયક કલ્પના માત્ર નહિ હોય? કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનો ના મતે રામાયણ ની કથા કાલ્પનિક જ છે.

ત્રેતાયુગમાં અયોધ્યાપતિ મહારાજ દશરથના ચાર પુત્ર હતા. જેમાં શ્રીરામ અગ્રજ હતા અને ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન એમના ભાઈઓ હતા. રાવણના નાશ માટે ભગવાન વિષ્ણુ જ સ્વયં શ્રીરામ ના અવતાર માં આવ્યા. નિયતિ અનુસાર પિતા એ રામજી ને સીતાજી અને લક્ષ્મણ સહિત વન માં મોકલ્યા જ્યાં રાવણે માયા રચી સીતાજી નું હરણ કર્યું. માર્ગ માં જટાયુ એ રોકવાનો પ્રયાસ કર્યો તો રાવણે એનો વધ કર્યો. સીતાજી ની શોધમાં જતા રામજી નો હનુમાનજી દ્વારા સુગ્રીવ સાથે ભેંટો થયો અને વાલિ નો વધ કરી સુગ્રીવ ને રાજ્ય અને પત્ની પાછી અપાવી મિત્રતા નું શ્રેષ્ઠતમ દૃષ્ટાંત પૂરું પાડ્યું. હનુમાનજી દ્વારા સીતાજી ની શોધ માં સફળતા મળતા વાનર સેના સહિત સમુદ્ર પર રામસેતુ બાંધી લંકા પહોંચ્યા.  રાવણ નો વધ કરી, લંકા નું રાજ્ય વિભીષણ ને આપ્યું.  સીતાજી ને લઇ અયોધ્યા પાછા ફર્યા અને 11 હજાર વર્ષ રાજ્ય કર્યું. 

સંસ્કૃત વાઙ્મય માં અને પુરાણ ગ્રંથો માં શ્રીરામ વિષ્ણુ ના અવતાર છે. માતા કૌશલ્યા એ ચતુર્ભુજ સ્વરૂપ માં પોતાના પુત્ર ને જોઈ પ્રાર્થના કરી હતી

કીજે શિશુલીલા હે પ્રભુ તમારે બાળક બનવાનું નથી, બાળક ની લીલા કરવાની છે.તરત જ શ્રીરામ ચતુર્ભુજ માંથી દ્વિભુજ થઈ ગયા. સંપૂર્ણ રામચરિત્ર ના અધ્યયન થી સિદ્ધ થાય છે કે શ્રીરામ સાક્ષાત પરબ્રહ્મ છે,માત્ર પ્રયોજન વશ મહારાજ દશરથ ના પુત્ર ના રૂપે પ્રગટ થયા. શ્રીરામ ના અવતાર થી સનાતન ધર્મ સાકાર થયો. હિન્દૂધર્માંવલંબી સનાતન ભાવ થી શ્રીરામ ની પૂજા કરે છે, ત્યારે જ તો તુલસીદાસજી એ કહ્યું

*ભએ પ્રકટ કૃપાલા દીન દયાલા*

ચૈત્ર શુક્લ નવમી એટલે કે રામનવમી એ પરાત્પર પરબ્રહ્મ ભગવાન વિષ્ણુ એ સ્વજન મોહિની માયા નો આશ્રય લઇ માનવ ની જેમ અભિનય કરે છે.... અને રાક્ષસી વૃત્તિ નો વિનાશ કરે છે.આપણી બુદ્ધિ માં બ્રહ્મ નું પ્રતિફલિત થવું જ ભગવાન નો અવતાર છેતેમ સ્વામી શ્રીસદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું.

(4:36 pm IST)