Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

રાજ્ય સરકાર તરફથી ડુંગળી પકવતા ખેડૂતોને અપાતી સહાયમાં વધારો કરવા માંગ.

રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રીને રજૂઆત કરતા ધારાસભ્ય ડેર.

રાજુલા : રાજ્ય સરકાર તરફથી ડુંગળી પકવતા ખેડૂતોને અપાતી સહાયમાં વધારો કરવા માંગ કરાઈ છે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને ધારાસભ્ય ડેર દ્વારા રજૂઆત કરાઈ છે .

રજૂઆતમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર તરફથી ડુંગળી પકવતા ખેડૂતોને પ્રતિ કિલોગ્રામ ડુંગળીએ રૂ . ૨ / - ( બે ) સહાય તરીકે આપવામાં આવે છે તે આવકાર્ય છે , પરંતુ ડુંગળી પકવતા ખેડૂતોને કુદરતી આફતો , બિયારણના ભાવો , ખાતરના વર્ધી રહેલા અસહ્ય ભાવો તેમજ અન્ય પરિબળોને લીધે ખેડૂતોને જોઈએ તેવું ઉત્પાદન મળતું નથી અને જયારે તેઓ ડુંગળી વહેચવા માર્કેટિંગ યાર્ડમાં જાય ત્યારે તેને ડુંગળીના સાવ નજીવા અથવા તો તળિયાના ભાવ મળે છે જેની સામે આ મળી રહેલી સરકારી સહાય પણ ઓછી પડે છે.હાલ બજારમાં ડુંગળીના વેચાણ ભાવ રૂ . ૫૦ થી ૧૩૦ જેટલો છે જે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી , માટે રાજ્ય સરકાર તરફથી પ્રતિ કિલોએ સહાય રૂ .૨ થી વધારી રૂ . ૪ કરવી જોઈએ જેથી કરીને ખેડૂતોને રાહત મળે , ઉપરાંત આ સહાય જે એપ્રિલ મહિનાથી ચાલુ કરેલ છે તેને જુન મહિના ના અંત સુધી શરુ રાખવી જોઈએ અને સાથો - સાથ આ સહાયની રકમ ખેડૂતોના ખાતામાં વહેલી તકે જમા મળી જાય તો જગતના આ તાતને અગામી ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ખેડ - ખાતર અને બિયારણ માટે આ રકમ ઉપયોગી થાય.તો ઉપરોક્ત બાબતે યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા રજૂઆત કરાઈ છે.

(10:57 pm IST)