Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

મુન્દ્રામાં જન સેવા સંસ્થા દ્વારા એક હજાર પાણીના કુંડા અને પક્ષીઘરનું વિતરણ

મરીન પોલીસ પણ સેવાકીય ઝુંબેશમાં જોડાઈ : ધોમધખતા તાપ માં પક્ષીઓ માટે ના કુંડા માં પાણી નિયમિત ભરવા લોકો ને વિનંતી કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦

 હાલ ધોમધખતા તાપ માં ઉનાળા ની સીઝન માં મુન્દ્રા ની જન સેવા દ્વારા વિવિધ દાતાઓના સહયોગ થી અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘર નું વિતરણ ચાલુ છે. મુન્દ્રાના યુવા પત્રકાર અને જન સેવા સંસ્થાના મુખ્ય સંયોજક રાજ સંઘવીના જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં એક હજાર પક્ષીઘર અને પાણીના કુંડા વિતરણ કરવાનું ટારગેટ નક્કી કરાયું છે, જે અનુસાર વિવિધ વિસ્તારોમાં આ વિતરણ કાર્ય હાથ ધરાયું છે. આ ઝુંબેશમાં મુન્દ્રા મરીન પોલીસનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. મુન્દ્રા ના મરીન પોલીસ મથકે પી. એસ. આઈ. ગીરીશ વાણીયા ને કુંડા અને ચકલી ઘર નું વિતરણ કરાયું હતું. આ સેવાકીય કાર્યમાં રામાણીયા ગામના જૈન અગ્રણી અને ભુજ ની કવીઓ સંસ્થા ના ઉપપ્રમુખ મુકેશ ભાઈ છેડા પણ જોડાયા હતા.

મુન્દ્રા મરીન પોલીસ ના પી એસ આઈ ગિરીશ ભાઈ એ કાળઝાળ ગરમી માં પક્ષીઓ માટે ની આ અનોખી સેવા માટે જન સેવા ની કામગીરી બિરદાવી ધોમધખતા તાપ માં પક્ષીઓ માટે ના કુંડા માં પાણી નિયમિત ભરવા લોકો ને વિનંતી કરી હતી. મુન્દ્રા ના બંદર રોડ પર આવેલ મરીન પોલીસ મથક માં ઘણા વૃક્ષો હોઈ અહીં પક્ષીઓ ની સંખ્યા પણ વધારે છે. આ સેવાકીય પ્રવૃત્તિ માં જન સેવા ના રાજ સંઘવી, કપિલ ચોપડા, દેવજી જોગી, ભીમજી જોગી સહયોગ આપી રહ્યા છે.

(9:48 am IST)