Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કચ્છના ભચાઉમાં લગ્નનો નિર્ણય ન કરાતા સાસુને છરી ઝીંકી : જૂની અદાવતમાં સાઢુભાઈને ધારિયું ઝીંક્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦

લોકોની ઘટતી જતી સહનશક્તિ અને ઉનાળાની ગરમી વચ્ચે કચ્છમાં દરરોજ નાની મોટી બોલાચાલી સાથે લોકોનો મિજાજ ઉગ્ર બનતાં મારામારીના બનાવોમાં ઉછાળો આવ્યો છે. ભચાઉ તા.ના મેઘપર ગામે બે વર્ષથી સગાઈ થઈ ગયા બાદ લગ્ન ન થતાં ઉશ્કેરાયેલા જમાઈએ પોતાની સાસુને છરીના ઘા ઝીંકી દીધા હતા. આ અંગે જીવતીબેન તુલસીભાઈ કોળીએ ભાવિ જમાઈ હરેશ પુના આડેસરા સામે પોલીસ ફરિયાદ કરી છે. જેમાં પોતાની ઉપર જીવલેણ હુમલા અને પોતાની પુત્રી તેમ ભાવિ પત્નીને પણ આરોપી હરેશ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનું જણાવ્યું છે. બીજા બનાવમાં ભચાઉના હલરા ગામે રહેતા નિલેશ કોળી અને ત્રંબૌ ગામના લખા રામશી કોળી બન્ને સાઢુભાઈઓ વચ્ચે જૂના મનદુઃખ બાબતે મારામારી થઈ હતી. હલરા ગામે બનેલ આ બનાવમાં ધારિયા વડે મારામારી ના બનાવમાં નિલેશ કોળીના માથામાં ઘા વાગતા બેભાન થઈ જતાં તેને સારવાર માટે ખસેડાયો હતો. બન્ને બનાવની તપાસ પોલીસે શરૂ કરી છે.

(9:50 am IST)