Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

રીબડામાં પૂ. રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને ભાગવત કથાનો પ્રારંભ

વાજતે-ગાજતે પોથીયાત્રા નીકળી : મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા : મહિપતસિંહ જાડેજા પરિવાર દ્વારા ભાવિકો માટે દરરોજ પ્રસાદની વ્‍યવસ્‍થા

રીબડા ખાતે શ્રી મહારાજ હનુમાનજી મંદિરે આજથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. વ્‍યાસાસને પૂ. રમેશભાઇ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે. ભાગવત કથાની માહિતી આપવા માટે અનિરૂધ્‍ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને વિગતો આપી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા) (૯.ર)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર આવેલ રીબડા ખાતે પૂર્વ ધારાસભ્‍ય મહિપતસિંહ જાડેજા પરિવાર દ્વારા આજથી શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. સવારે પોથીયાત્રામાં મહિપતસિંહ જાડેજા, અનિરૂધ્‍ધસિંહ જાડેજા પરિવારના સભ્‍યો તથા ભાવિકો મોટી સંખ્‍યામાં જોડાયા હતાં.

દરરોજ બપોરના સમયે ભાવિકો માટે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

શ્રી મહીરાજ બજરંગબલી ટ્રસ્‍ટ રીંબડાના ઉપક્રમે શ્રી મહીરાજ હનુમાનજી મંદિર ખાતે આજે શુક્રવારથી ર૬ મે ગુરૂવાર સુધી ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને શ્રીમદ્‌્‌ ભાગવત કથા મહોત્‍સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્‍યું છે.

આ ભાગવત કથામાં સૌરાષ્‍ટ્ર-ગુજરાતના સંતો-મહંતો, સાધુઓ આ કથા મહોત્‍સવનો લાભ લેવા માટે પધારનાર છે. જેમાં સવારે ૯ થી ૧ દરમિયાન કથા શ્રવણનો લાભ શ્રાવકો મેળવી શકશે. ભાગવત કથામાં આવતા વિવિધ પ્રસંગોની ધામધુમથી ઉજવણી કરાશે. જેમાં તા. ર૩ ને સોમવારે શ્રી કૃષ્‍ણજન્‍મ, તા. ર૪ ને મંગળવારે ગોવર્ધન પૂજા અને તા. રપ ને બુધવારે રૂક્ષ્મણી વિવાહના પ્રસંગો ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ધામધુમથી ઉજવવામાં આવશે.

ભાગવત સપ્તાહ દરમિયાન તા. ર૩ ને સોમવારે રાત્રે ૯ કલાકે બ્રીજરાજદાન ગઢવી, માયાભાઇ આહીર, સાંઇરામભાઇ દવે, નારાયણભાઇ ઠાકર, ઓસમાણ મીર, ભગવતીબેન ગોસ્‍વામી અને રીબડાના હર્ષ પીપળીયાની સંતવાણી યોજાશે. જયારે તા. ર૬ ને ગુરૂવારે રાત્રે ૯ કલાકે રાજભા ગઢવી, દેવાયતભાઇ ખવડ, અનુભા ગઢવી, હરદેવભાઇ આહિર, મનસુખભાઇ વસોયા અને હકાભા ગઢવીની સંતવાણીમાં ભજનોની રમઝટ બોલશે. જયારે તા. ર૪ ને મંગળવારે રાત્રે ૯ કલાકે ફરીદાબેન મીર અને દીપકભાઇ જોષી ગરબાની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમો જીટીપીએલની ડાયરો ચેનલ (નં. ર૮૩) પર લાઇવ માણી શકાશે.

(12:40 pm IST)