Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ભાવનગર પંથકમાં વરસાદી માહોલમા વીજળી પડતા મહુવાના મોટીજાગધાર ગામે કાકા-ભત્રીજા ના મોત : એક મહિલા સારવારમાં

ભાવનગરમા બપોરે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી : બપોરે મુશળધાર વરસાદ તૂટી પડયો : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા : જિલ્લાના ઉમરાળા, મહુવા અને જેસર, પંથકમાં અડધો અડધો ઈંચ

(મેધના વિપુલહિરાણી દ્વારા) :ભાવનગર તા.19 :ભાવનગર શહેર અને જિલ્લામાં આજે બપોરે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. શહેરમાં એક ઇંચ જેટલો અને ગ્રામ્ય પંથકમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ભાવનગર ના મહુવા ના મોટી જાગધાર ગામે વીજળી પડતા કાકા- ભત્રીજા નુ મોત નીપજ્યું છે જ્યારે પરિવારની મહિલા અને હોસ્પિટલ ખસેડેલ છે.

ગોહિલવાડ પંથકમાં આજે રવિવારે બપોરે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. બપોરે એક વાગે શહેરમાં મુશળધાર વરસાદ તૂટી પડયો હતો અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વરસાદને કારણે બાળકો- યુવાનો વરસાદ માં નહાવા રસ્તા ઉપર નીકળી પડ્યા હતા. શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

જ્યારે ભાવનગર જિલ્લાના ઉમરાળા, મહુવા અને જેસર, પંથકમાં અડધો અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઇ છે.

વીજળી પડતા બેના મોત

ભાવનગર જિલ્લાના મહુવા ના મોટીજાગધાર ગામે આજે બપોરે વરસાદ દરમિયાન વીજળી  પડતા મોટીજાગધાર ગામના સંજયભાઈ ભુપતભાઈ મકવાણા ઉં.વ.26 તથા તેના ભત્રીજા રવિ રાજુભાઈ મકવાણા ઉં.વ. 11 નું મોત નીપજ્યું હતું. જ્યારે  બાલુબેન ભુપતભાઈ મકવાણા ઉં.વ. 52 ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. કાકા ભત્રીજા ના મોત નીપજતાં  મોટીજાગધાર ગામે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

(5:20 pm IST)