Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ટંકારામાં તંત્રની ઘોર બેદરકારી : સર્વિસ રોડની અધુરી કામગીરીથી પ્રજા પરેશાન

સરપંચ દ્વારા તાત્‍કાલીક પગલા લેવા માંગ

(હર્ષદરાય કંસારા દ્વારા)ટંકારા, તા. ૨૦ :  ટંકારા ખાતે ઓવરબ્રિજ તથા સર્વિસ રોડની અધુરી કામગીરીને કારણે  લોકો તથા વાહન ચાલકો  ત્રાહિમામ પોકારી રહેલ છે.

ટંકારા ખાતે લતીપર ચોકડી ઉપર ઓવરબ્રિજની કામગીરી અધુરી છે તથા ઓવરબ્રિજ અને સર્વીસ રોડ પર લાઇટીંગની સુવિધા ઉભી કરાયેલ નથી. એમડી સોસાયટી પાસે બનાવાયેલ નાલામાં ડામર પાથરવામાં  આવેલ નથી. મોરબી તથા રાજકોટ તરફના સર્વિસ  રોડ પર વરસાદના પાણીના  નિકાલ તેમજ  ઘરોના પાણીના  નિકાલની કોઈ વ્‍યવસ્‍થા કરાઇ નથી. વરસાદી પાણીના નિકાલ માટે સર્વિસ રોડ ઉપર પાણીની કુંડીઓ,  લોકોને ચાલવા માટે એક મીટરની ફૂટપાથ બનાવી નથી. લોકો  સતત અકસ્‍માતના ભય હેઠળ સર્વિસ રોડ ઉપર ચાલી રહ્યા છે. સર્વિસ રોડ ઉપર આવેલા મકાનોના રહેવાસીઓ માટે રોડના છેડે પ્રોટેક્‍શન દિવાલ બનાવવી જોઈએ તે પણ બની નથી .

એકાદ ઈંચ વરસાદ પડતાં પાણીના નિકાલના અભાવે સર્વીસ રોડ ઉપર પાણી ભરાતા ઠેર ઠેર પાણીના ખાડાઓ ભરાશે. જેથી વાહન ચાલકોની મુશ્‍કેલીમાં વધારો થશે. એમડી સોસાયટી, એસટી બસસ્‍ટેન્‍ડ નગર નાકા, મામલતદાર કચેરી સહિતના રોડ પર વરસાદના પાણીના નિકાલની વ્‍યવસ્‍થા નથી. અમુક જગ્‍યાએ ફોરલેન રોડની કામગીરી સમયે પાઇપલાઇનનો તુટી ગયેલ છે.

   જેથી આ વર્ષે વરસાદમાં એમડી સોસાયટી, બસ સ્‍ટેન્‍ડ તથા સર્વિસ રોડ ઉપર વરસાદના પાણીના નિકાલનો મોટો પ્રશ્‍ન ઉપસ્‍થિત થશે. વારંવાર રજૂઆત છતાં ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્‍યવસ્‍થા કરાઈ નથી. ટંકારાના સરપંચ ગોરધનભાઈ ખોખાણીએ સર્વિસ રોડના અધુરી કામગીરી તાકીદે પૂરી કરવા તથા વરસાદી પાણીના નિકાલનો પ્રશ્‍ન હલ કરવા, ફૂટપાથ બનાવવા, ઓવર બ્રિજ તથા  સર્વિસ રોડ ઉપર લાઇટીંગની વ્‍યવસ્‍થા કરવાની માંગણી કરેલ છે

(11:28 am IST)