Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વિજ કરંટ લાગતા ૬ પશુના મોતઃ લીંબડી નાપશુપાલકની કફોડી સ્થિતી

વઢવાણ,તા.૨૦ : લીંબડીના પશુપાલકની ચાર ગાયનો વીજ થાંભલાના જીવતા વાયરે ભોગ લીધો હોવાની ઘટનાએ સમગ્ર પંથકના પશુપાલકોમાં અરેરાટીની લાગણી પ્રસરાવી છે.

 બે દૂઝણી અને બે ગાભણી ગાયના કરંટ લાગવાથી મોત થતાં પશુપાલક પરિવારની હાલત કફોડી બની છે. જોખમી કેબલ અંગે વીજ કંપની સ્થાનિક કચેરીમાં જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર ઉંઘતુ હોવાની બેદરકારી સામે આવી છે. જેથી વીજ કંપની સામે સમગ્ર પંથકના પશુપાલકોમાં રોષની લાગણી   પ્રસરી ગઇ છે.   બડીમાં રહેતા ૧૨ સભ્યોના પશુપાલક હરિભાઇ ભલાભાઇ જોગરાણા  ૬ જેટલા પશુ ધરાવે છે. તેઓ પશુવાલનના વ્યવસાયના આધારે પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની ગાયોને મોડી સાંજે ચરવા માટે ગામની સીમમાં મોકલી હતી. ત્યારે લીંબડીથી પાંન્દ્રી ગામ જવાના રસ્તે આવેલા ખેતરમાં ગાયો ચરતી હતી તે દરમિયાન વીજળીના થાંભલાના નીચા નમી ગયેલા જીવતા વાયરના સંપર્કમાં આવતા ૪ ગાયના કરંટ લાગતા મોત થયા હતાં. પશુપાલક હરિભાઇના જણાવ્યા મુજબ ચાર ગાય પૈકી બે ગાય દૂધ આપતી હતી અને બે ગાય ગાભણી હતી.

  ઘટનાની જાણ થતાં ગામની સ્કૂલના આચાર્ય અને ગ્રામ પંચાયતના સભ્ય મનુભાઇ સહિતના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને પશુપાલક હરિભાઇને સાંત્વના આપી હતી. જો કે વીજ કંપનીમાંથી આવેલી ટીમ તેમની કાર્યવાહી પુરી કરી ચાલી ગઇ હતી અને પશુપાલન વિભાગમાંથી કોઇ આવ્યુ ન હતું. ઉલ્લેનિય છે કે તાજેતરમાં આકાશી વીજળી પડવાથી પિતા-પુત્ર અને એક મહિલાના મોતની ઘટના લીંબડીમાં બની હતી.

  લીંબડીથી પાંન્દ્રી ગામ જવાના રસ્તા ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલુ છે. તેના પૂજારીએ ખેતરમાં જીવતા વાયર નીચા નમી ગયા હોવાથી કોઇ હોનારત બને તેવી શંકા વ્યકત કરી હતી અને તે અંગે વીજ કંપનીને જાણ કરવા માટે મંદિરના સેવકને કહ્યું હતું. તે સેવકે તા. ૮મી જૂનના રોજ સ્થાનિક વીજ કંપનીને જોખમી વીજ વાયરને ઉપર ખેંચી લેવા માટે રજૂઆત કરી હતી. તેમ છતાં વીજ કંપનીએ કાર્યવાહી હાથ ન ધરતા ચાર ગાયનો ભોગ લેવાયો હોવાનું ગ્રામ પંચાયતના સભ્યએ આક્ષેપ કર્યો હતો.

 પશુપાલક હરિભાઇએ જણાવ્યું કે  બે ગાભણી ગાય આગામી ૧૫ દિવસમાં વિયાવાની હતી તે પહેલા પેટમાં વાછરડા સાથે તેના મોત થતા મારી હાલત કફોડી બની ગઇ છે. બે ગાય વિયાણી થયા બાદ વાછરડીના આગમનની અમે રાહ જોતા હતાં પરંતુ વીજ કરંટ લાગતા મોત થયા છે. આ ઘટનામાં ચાર ગાય નહીં પણ ૬ પશુના મોત થયા છે. બે વાછરડી જન્મ ધારણ કરે તે પહેલા ગાયના પેટમાં જ મોતને ભેટી છે.

(12:27 pm IST)