Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

મોરબી આવેલ ગૃહમંત્રી સમક્ષ ટ્રાફિક, ઉઘરાણા, ઓવરલોડ વાહનો સહિતની ફરિયાદોના ઢગલા

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૦ : ગૃહમંત્રી સમક્ષ મોરબીના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લાની કાયદો વ્યવસ્થાની વાસ્તવીક સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી ગૃહમંત્રીને મુદ્દાસર રજુઆત કરી હતી.

સાંસદ, વિહિપ, બજરંગદળ, સિરામીક એસોસિએશન અને કલોક એસોસિએશન સહિતના અગ્રણીઓએ પણ કરી રજુઆત કરી હી.

ગૃહમંત્રી સમક્ષ સાંસદ, ધારાસભ્ય, વિહિપ, બજરંગદળ, સિરામીક એસોસિએશન અને કલોક એસોસિએશન સહિતના અગ્રણીઓએ ટ્રાફિક, સ્પીડ બ્રેકર, લુખ્ખાગીરી સહિતના વિવિધ પ્રશ્નો અંગે થોકબંધ રજૂઆતો કરી હતી, સામાપક્ષે ગૃહમંત્રીએ મોરબી પોલીસની કામગીરી અંગે સંતોષ વ્યકત કરી ઔદ્યોગિક નગરી મોરબી માટે સરકાર ચિંતિત હોવાનું જણાવી અસરકારક પગલાંની ખાતરી આપી હતી.

સિરામીક હબ મોરબી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અનુસંધાને આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબીની મુલાકાતે આવ્યા હતા અને સૌ પ્રથમ સાંસદ, ધારાસભ્ય, વિહિપ, બજરંગદળ, સિરામીક એસોસિએશન અને કલોક એસોસિએશન સહિતના અગ્રણીઓ સાથે બેઠક યોજી જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો.બાદમાં પોલીસ તંત્ર સાથે લંબાણપૂર્વકની વિસ્તૃત બેઠક પણ યોજી હતી. જેમાં ગૃહમંત્રી સમક્ષ મોરબીના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લાની કાયદો વ્યવસ્થાની વાસ્તવીક સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી ગૃહમંત્રીને મુદ્દાસર રજુઆત કરી હતી.

દરમિયાન ભાજપના હોદેદારો, સંગઠન અને અન્ય ઔદ્યોગિક સંગઠન સાથે બેઠક બાદ ગૃહમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જિલ્લાની વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સંતોષ વ્યકત કરી ઔદ્યોગિક નગરીમાં ગુન્હાહિત પ્રવૃત્તિ કંટ્રોલમાં લેવા પર પ્રાંતીય કામદારોની ખાસ સોફ્ટવેર મારફતે નોંધણી કરવાની કામગીરી સહિતની બાબતો અંગે પગલાં લેવાઈ રહ્યાનું જણાવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી સમક્ષ ભાજપ સંગઠનના આગેવાનો દ્વારા મોરબી પોલીસ દ્વારા સામખીયાળી સહિતના માર્ગો ઉપર ઉઘરાણા કરવા, જિલ્લામાં ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બનવા, વધુ પ્રમાણમાં મુકાયેલા સ્પીડ બ્રેકર દૂર કરવા, શહેરના પોસ વિસ્તારમાં લારી ગલ્લાના ત્રાસ તેમજ લુખ્ખા તત્વો દ્વારા છેડતી સહિતના બનવો અંકુશમાં લેવા ઉપરાંત ઉદ્યોગોકારો સાથે વારંવાર બનતા મારામારી, ખંડણી મંગાવી અને અન્ય હેરાનગતિના બનાવો રોકવા પણ રજૂઆતો થઈ હતી.

 અંતમાં ગૃહપ્રધાને મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા પ્રશ્ને હકારત્મક પગલાં ભરવાની સાથે મોરબી શહેરમા ટ્રાફિકના અને દબાણો પ્રશ્ને પાલિકાને પણ કડક હાથે કામગીરી કરવો અને જરૂર પડ્યે પાલિકા પૂરતી પોલીસની મદદ આપવાની પણ ખાતરી આપી હતી.

(1:50 pm IST)