Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

સલાયામાં મુસ્લીમ વાઘેર જમાતના પ્રમુખ બદલવા બાબતે બે પરિવારો વચ્ચે અથડામણઃ છ ને ઇજા

જામખંભાળીયા, તા., ર૦: સલાયા  ગામે રવિવારે સવારે હુસેની ચોક ખાતે બે કુટુંબો વચ્ચે જુથ અથડામણ સર્જાઇ હતી. જેમાં હથીયારોનો છુટથી ઉપયોગ થયો હતો. આ બઘડાટીમાં છ જેટલી વ્યકિતઓને ઇજાઓ સાથે આ ઘવાયેલાઓને જામનગર ખસેડવામાં આવ્યા છે.
મુસ્લીમ પરીવારન કેટલાક સદસ્યોએ સલાયા મુસ્લીમ વાઘેર જમાતના પ્રમુખ બદલવા માટેની મીટીંગ રાખી હતી.
સલાયા ગામે ગોદી પાળો, હુસેની ચોક વિસ્તારમાં રહેતા અકરમ રજાકભાઇ સંઘાર નામના ૩૦ વર્ષના મુસ્લીમ વાઘેર યુવાન તથા અન્ય સ્વજ્ઞાતિના લોકો દ્વારા સલાયાના મુસ્લીમ વાઘેર સમાજના વર્તમાન પ્રમુખ સાલેમામદ ઉર્ફે સાલુ પટેલે કરીમ ભગાડને બદલવા માટેની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન આ મીટીંગ બોલાવવા માટે વર્તમાન પ્રમુખ સાલુ પટેલે ના કહી હતી. તેમ છતા કેટલાક લોકો જુમ્મા મસ્જીદ ખાતે એકત્ર થયા હતા. તેમાં આવેલા સાલુ પટેલે સમાજના પ્રમુખ પોતે જ રહેશે તેવી જાહેરાત કરતા દેકારો અને ઉપસ્થિત લોકોમાં હોબાળો મચી જવા પામ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન  સાલુ પટેલ સાથે રહેલા અસલમ સાલેમામદ ભગાડ વિડીયો રેકોર્ડીગ કરી રહયો હોવાથી અહી રહેલા એજાજ રજાકભાઇ સંઘાર દ્વારા અસલમ ભગાડને વિડીયો ઉતારવાની ના કહી હતી. જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી.
આના કારણે ઉશ્કેરાયેલા આરોપી અસલમ ભગાડ દ્વારા ગાળો કાઢી પોતાની પાસે રહેલી ધાતુની મુઠ વડે હુમલો કરી આડેધડ મારવા લાગ્યો હતો. આ દરમિયાન એકઠા થયેલા આરોપીઓ સાલુ પટેલ કરીમ ભગાડ ઇમરાન સાલેમામદ ભગાડ તથા ઝહીર સાલેમામદ ભગાડ નામના કુલ ચાર શખ્સોએ એકસંપ કરી ફરીયાદ અકરમ રજાકભાઇ તથા તેમના ભાઇ સાહેદ એજાજ રજાકભાઇ ઉપર ચપ્પુ, મુઠ તથા દાઢી કરવાના અસ્તરા વડે જીવલેણ હુમલો કરી આડેધડ મારતા ફરીયાદી અકરમભાઇ તથા સાહેદ એજાજભાઇને શરીરન જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ તેમજ એજાજને વાંસાના ડાબી બાજુના ફેફસાના ભાગે પંકચર જેવી ઇજાઓ થતા વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આમ મુસ્લીમ વાઘેર સમાજના પ્રમુખ બાબતે વર્તમાન પ્રમુખ સહીતન ચારેય આરોપીઓ દ્વારા મારી નાખવા માટે જીવલેણ હુમલો કરી બે ભાઇઓને ઇજાઓ કરવા સબ અકરમભાઇ સંઘાર દ્વારા સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરીયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઇપીસી કલમ ૩૦૭, ૩ર૩, ૩ર૪, પ૦૪, ૧૧૪ તથ જી.પી.એકટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ સલાયાના પી.આઇ. અક્ષય પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ બનાવમાં સામા પક્ષે  પણ કેટલાક યુવાનોને ઇજા થવા પામી હતી. આ બનાવ બનતા સલાયા ખાતે પોલીસે દોડી જઇ અને જરૂરી કાર્યવાહી કરી હતી. ઘવાયેલાઓના નિવેદનો નોંધી અને પોલીસ ફરીયાદની તજવીજ માટે પીઆઇ અક્ષય પટેલ જામનગર દોડી ગયા હતા.

 

(1:03 pm IST)