Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કચ્છના અંજારમાં વડા પ્રધાન નરેન્દ્રભાઇના ડ્રીમ પ્રોજેક્ટ વીરબાળભુમિનું કામ ગતિમાં

જેસલ તોરલની સમાધિએ પણ ફેસ ટુ નું કામ શરૂ : રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે મુલાકાત લઈ કરી સમીક્ષા, રૂ.૧૪ કરોડના ખર્ચે બનનાર વીરબાળભૂમિ પ્રોજેકટ આ નવેમ્બર સુધી પૂર્ણ કરવા ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ વીરબાળભૂમિના અમલીકરણ માટે રાજયમંત્રી વાસણભાઇ આહિરે રૂબરૂ મુલાકાત લઈ કામમાં ગતિ લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરે અંજાર ખાતે રૂ.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વીરબાળભૂમિ પ્રોજેકટની ચાલી રહેલી કામગીરીની સ્થળ મુલાકાત લઇ આ કામગીરી સાથે સંકળાયેલા તમામ સાથે સમીક્ષા બેઠક યોજી પરામર્શ કર્યો હતો. રાજયમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ ડ્રીમ પ્રોજેકટને નવેમ્બર ૨૦૨૧ સુધી પૂર્ણ કરવા સબંધિત એજન્સીઓને અને સરકારી અધિકારીઓને ખાસ સૂચનાઓ આપી હતી.

તેમણે આ અંગે પ્રાંત અધિકારી ડો.વી.કે.જોશી તેમજ ખાનગી એજન્સીના સુરેન્દરજી પાસેથી વિગતવાર માહિતી મેળવીને ગાંધીનગર કક્ષાએ GSDMAના CEO સાથે ફોલોઅપ માટે ટેલિફોનિક વાત કરી હતી.

રાજયમંત્રીએ અંજારના ધાર્મિક સ્થળ જેસલ તોરલ મંદિરના ફેસ-૨ ના પ્રવાસન વિકાસ કામગીરી માટે હયાત દુકાનોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ એ.એ.ઝાલા અને મામલતદાર અફઝલ મંડોરી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલને પણ ટેલિફોનિક સૂચનાઓ આપી હતી. તેમજ કામગીરી થાય ત્યાં સુધી દુકાનદારોને અન્યત્ર રોજગારી ચાલુ રહે તે માટે વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.

રૂ.૨.૭૬ કરોડના ખર્ચે થનારા ફેસ-૨ ના વિકાસ કામોમાં ૫૩ દુકાનો, ગેસ્ટહાઉસ તેમજ અન્ય કામો ઝડપથી શરૂ કરવા રાજયમંત્રીશ્રી આહિરે માર્ગ અને મકાન વિભાગ અંજારના અધિકારીઓને સૂચના આપી હતી. આ અંતર્ગત તેમણે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી માત્ર વર્ક ઓર્ડર આપવાની બાકી કામગીરી માટે સબંધિતોને કામગીરી ઝડપથી અમલી કરવા સૂચિત કર્યા હતા.

આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ અંજારના મદદનીશ ઈજનેર પી.એચ.જાડેજા, એજન્સીના દિપકભાઇ, પ્રાંત કચેરી નાયબ મામલતદાર એમ.સી.પટેલ, વિક્રમસિંહજી તેમજ સબંધિત અધિકારી ઉપસ્થિત રહયા હતા.

(9:45 am IST)