Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મોળાકત વ્રતનો પ્રારંભ-કાલથી જયાપાર્વતી વ્રત : રવિવારે જાગરણ

આજે દેવ પોઢી એકાદશી : કુંવારીકાઓ અને નાની બાળાઓ પૂજન-અર્ચન કરીને આરાધના કરશે

પ્રથમ તસ્વીરમાં હળવદમાં વેંચાતા તૈયાર જવારા તથા બીજી તસ્વીરમાં સુરેન્દ્રનગરમાં મોળાકત વ્રતની પૂજા થતી નજરે પડે છે. (તસ્વીર : હરીશ રબારી (હળવદ) ફઝલ ચૌહાણ, વઢવાણ).

રાજકોટ, તા. ર૦ :  આજથી મોળાકાત વ્રતનો પ્રારંભ થયો છે. જયારે કાલથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થશે અને રવિવારે તેનું જાગરણ કરાશે. આજે દેવપોઢી એકાદશી છે.

અષાઢ સુદ એકાદશીને દેવ પોઢી એકાદશી એટલે દેવશયની એકાદશી કહેવાય છે. ભગવાનનો શયન કરવાનો દિવસ તે દિવસથી ચાતુમાર્સનો પ્રારંભ થાય છે. ભગવાન ચાર માસ માટે સુઇ જાય અને ઠેઠ કારતક સુદ એકાદશી-પ્રબોધિની એકાદશીના દિવસે જાગે છે. અષાઢી એકાદશી એટલે અહમ ને દાટી દઇ પ્રભુની શકિતથી જ બધું મળ્યું છે, મળે છે અને જે મળ્યું છે, તે તેનું છે એ ભાવના વ્યકત કરવાનો દિવસ છે.

આજથી મોળાકત વ્રતનો બાળાઓએ પ્રારંભ થયો છે.

આ વ્રતને મોળાકત, મોળાવ્રત કે ગૌરીવ્રત પણ કહે છે. આ વ્રતમાં બાળાઓ મીઠા (નમક) વિનાનું ભોજન લે છે. આ વ્રત પાંચ દિવસ ચાલે છે. બાળાઓ ઘઉંના જવારા વાવી વહેલી સવારે પૂજન કરશે. આ વ્રત કરવાથી બુદ્ધિશકિતમાં વધારો થાય છે અને વિદ્યાબળ પણ પ્રાપ્ત થાય છે.

કાલે તા. ર૧ જુલાઇને બુધવારથી અષાઢ સુદ બારસથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થશે. જેમાં કુંવારિકાઓ શંકર-પાર્વતીનું પૂજન કરે છે. પાંચ વર્ષ સુધી કુંવારિકાઓ આ વ્રત કરેે છે. અત્યારના જમાના પ્રમાણે બહેનો સાસરે જાય  ત્યાં સુધી આ વ્રત કરે છે, ત્યાં જઇને ઉજવણું કરે છે. આ વ્રત કરવાથી ગુણવાન પતિની પ્રાપ્તિ થાય છે. આ વ્રતનું રવિવારે જાગરણ છે.

હળવદ

(હરીશ રબારી દ્વારા) હળવદઃ આધુનિક યુગમાં  બદલાતા સમય સાથે   નવા ક્રેઝ ઉદભવતા જોવા મળે છે અષાઢ મહિનામાં  બાળાઓ માટે જવારા પૂજવાનો તહેવાર આવે છે અને  ગણતરીના દિવસોમાં આ તહેવાર આવી રહ્યો છે  ત્યારે હળવદમાં તૈયાર જવારા ખરીદવાનો નવો ફ્રેઝ જોવા મળી રહ્યો છે તૈયાર જવેરા ખરીદવાથી  કોડીયામા માટીમાં ઘઉં ઉગાડવા જેવા કાર્યો કરવાની જરૂર પડતી નથી તેમજ જવારા કેવા ઉઞશે બરોબર કે નહીં જેવી બાબતની ચિંતા કરવાની રહેતી નથી સમયની બચત સાથે તૈયાર રેડીમેન્ટ જવારા મળતા હોવાથી બાળાઓ તૈયાર  જવારા વધુ ખરીદવાનું પસંદ કરે છે તૈયાર જવારા વેચતા તુલસીભાઈ પ્રજાપતિ જણાવ્યું હતું કે હાલના સમયમાં તૈયાર જવારા ખરીદવા  નવો ક્રેઝ જોવા મળી રહ્યો છે કારણકે લીલાછમ આકર્ષક સરસ લાગતા જવારા  બાળાઓ  હશે હશે ખરીદે છે અને તૈયાર જવારા ખરીદનો  ક્રેઝ વધતો જાય છે.

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : આજથી શરૂ થતાં પાંચ દિવસ નાં ગૌરી વ્રત નો આજથી પ્રારંભ થતાં નાની નાની બાળાઓ સવારે વહેલાં ઉઠી નદી. તળાવ. અથવા પોતાનાં ઘરે સ્નાાન કરી. નવા વસ્ત્રો. દાગીનાં પહેરી શણગાર સજી. એક થાળી માં કંકાવટી.કંકુ. કેશર. અબીલ. ગુલાલ. સોપારી. કમરકાકડી.નાડાછડી. ફળ.ફુલ.નાગલાં વગેરે પુજાપા સાથે પોતાનાં ઘરે વ્રત પહેલાં વાવેલા જવારા નું પુજન કરવા બ્રાહ્મણ.અથવા શિવ મંદિરમાં પુજન કરવા પોતાની કાલીઘેલી ભાષામાં ગીત ગાતી ગાતી સમૂહ માં મળી ને જાય છે. ત્યારે તે દ્રશ્ય ગામની શેરીમાં શોભાનું નજરાણું બની જાય છે. ત્યારબાદ આખો દિવસ આ બાળાઓ અલગ અલગ રમત રમવાની સાથે ઉપવાસ. એક ટાણા.સાથે પાંચ દિવસ સુધી આ વ્રત કરી શિવ.પાવઁતી. ની ઉપાસના સાથે છેલ્લાં દિવસે જાગરણ કરી ઘઉં નાં જવારા જળમાં પધરાવી આ વ્રત ની ઉજવણી કરશે. 

(11:01 am IST)