Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

થાનમાં ૬૦ હજારનું બાયોડીઝલ પકડાયુ

વઢવાણ,તા. ૨૦: થાનના મામલતદાર તથા પોલીસની ટીમ દ્વારા વગડીયા રોડ ઉપર આવેલી દુકાનમાં છાપો મારી રૂપિયા ૬૦ હજારનો ૭૮૦ લીટર પ્રતિબંધિત એવો LDO નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

વગડીયા રોડ ઉપર આવેલ પશુપતિ ટ્રેડીંગ નામની પેઢીમાં થાન મામલતદાર હેમતસિંહ મકવાણા તથા પી.એસ.આઇ. જી. જી. પરમાર દ્વારા દરોડો પાડવામાં આવતા રૂ. ૬૦ હજારની કિંમતનો પ્રતિબંધિત તેવો ૭૮૦ લીટર LDO નો જથ્થો ઝડપાઈ જવા પામ્યો છે. તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવતા પશુપતિ ટ્રેડિંગ પાસે વેચાણ માટેનું લાયસન્સ હતું. પરંતુ તે લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ હતી. તથા આ LDOને સરકાર દ્વારા પ્રતિબંધિત પણ કરવામાં આવ્યો છે. પરંતુ પેઢી માલિક અભણ હોય આ બાબતથી અજાણ હતા જેથી આ જથ્થો ઝડપાઈ જવા પામ્યો છે.

રૂ. ૩૫ લાખની ખનિજ ચોરી ઝડપાઇ

થાન, મુળી તથા સાયલા વિસ્તારમાં મળી આવતા ખનીજ કાર્બોસેલ, સિલિકા સેન્ડ, ફાયરકલે, પથ્થરોનું બેફામ ખનન અને વહન થઇ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ભૂ માફીયાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે.

જેને અંકુશમાં લેવા તંત્ર નબળું પડી રહ્યું છે. અબજો રૂપિયાની કિંમતનું ખનીજ બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યું છે. ત્યારે થાન મામલતદાર દ્વારા વગડીયા રોડ પર ચેકિંગ હાથ ધરી ગેર કાયદેસર કાળી ફાયરકલેનું વહન કરતા રૂપિયા ૩૫ લાખ ૬,૨૫૦ ના મુદ્દામાલ સાથેના ડમ્પરને ઝડપી પાડી સીઝ કરવામાં આવ્યું છે.

(11:37 am IST)