Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ધોરણ ૯ થી ૧૨ ની ખાનગી શાળાઓ તાકીદે શરૂ કરવા મંજૂરી આપો

મોરબી સ્વર્નિભર શાળા સંચાલક મંડળે આવેદન પાઠવ્યુ

મોરબી,તા. ૨૦: રાજયની તમામ ધોરણ ૯ થી ૧૨ ની ખાનગી શાળાઓને શરુ કરવાની તાત્કાલિક મંજુરી આપવામાં આવે તેવી માંગ મોરબી સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.

જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવીને જણાયું છે કે કોરોનાની સ્થિતિ કાબુમાં જણાતા સરકારે ટ્યુશન કલાસીસ, સરકારી શાળાઓ, ધાર્મિક સ્થળોને ખોલવાની મંજુરી આપી છે તો ખાનગી શાળાના વાલીઓ, શિક્ષકો અને સંચાલકો લાંબા સમયથી શાળા ખોલવા માટેની રાહ જોઈ રહ્યા છે તેને મંજુરી કેમ આપવામાં આવતી નથી શાળા સંચાલક મંડળે રજૂઆતમાં જણાવ્યું છે કે સરકારી શાળાઓને મંજુરી આપવામાં આવી છે તો ખાનગી શાળાઓ સાથે આવો અન્યાય કેમ ? પ્રથમ તબક્કામાં ધોરણ ૯ થી ૧૨ ની શાળાઓને ફરી શરુ કરવાની મંજુરી આપવી જોઈએ ટ્યુશન કલાસીસની સરખામણીએ શાળાના વર્ગ ખંડ, શાળાના મકાન અને સગવડતાઓને ધ્યાને લઈને ખાનગી શાળાઓ કોવીડ ગાઈડલાઈનનું વધુ સારી રીતે પાલન કરી સકે છે વિદ્યાર્થીઓને ૧.૫ વર્ષ જેટલું પ્રત્યક્ષ શિક્ષણનું નુકશાન થયું છે જેથી વિદ્યાર્થીઓના ભવિષ્યનો વિચાર કરીને વધુ વિલંબ ના કરતા શાળાઓ સત્વરે શરુ કરવા માંગ કરવામાં આવી છે.

જેથી જો સરકાર માંગ નહિ સ્વીકારે તો શાળા સંચાલકો દ્વારા ઉગ્ર આંદોલનના મંડાણ કરાશે અને ઓનલાઈન શિક્ષણકાર્યનો બહિષ્કાર જેવા પગલા ભરતા પણ અચકાશે નહિ તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(12:50 pm IST)