Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

જૂનાગઢની ૪ વર્ષની બાળકીના કેન્સરગ્રસ્ત જડબાની ૯ કલાકની જટીલ માઇક્રોવેસ્કયુલર સર્જરી સફળ

ભવનાથ તળેટીમાં રહેતી ઝેનાબની વિનામૂલ્યે સારવાર થતા પરિવારજનોએ સરકારશ્રીનો આભાર વ્યકત કર્યો : અમદાવાદ જી.સી.આર.આઇ.ના તબીબોની સફળ સર્જરી : બાળકીના પગના હાડકાને આરીથી કાપીને જડબાનું સ્વરૂપ આપવામાં આવ્યું

જૂનાગઢ તા. ૨૦ : ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (GCRI)ના તબીબોએ ફરી એક વખત પોતાની કાર્યક્ષમતા-કાબેલિયતનો પરચો બતાવ્યો છે. જૂનાગઢની ૪ વર્ષના કેન્સર પીડિત બાળકીના જડબાને માઇક્રોવેસ્કયુલર સર્જરી દ્વારા પુનૅંસ્થાપિત કરવામાં આવ્યું હોય તેવો દેશમાં આ પ્રથમ કિસ્સો છે તેમ જી.સી.આર.આઇ.ના તબીબોએ જણાવ્યું છે.

દેશ અને વિશ્વમાં દુર્લભ ગણી શકાય તેવી ૪ વર્ષના કેન્સરગ્રસ્ત બાળકીનું જડબું પગના હાડકામાંથી બનાવીને તબીબોએ સફળતાપૂર્વક તેની પ્લાસ્ટીક સર્જરી કરી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળની સંવેદનશીલ અને નિર્ણાયક સરકારે સ્વાન્તઃ સુખાયની લોકહિત નેમ સાથે નાગરિકોની આરોગ્ય સુશ્રુષા-સેવાની આહલેક રાજયના ખૂણે-ખૂણે જગાવી છે. જેની આ૪વર્ષીય બાળકીની પીડામુકિત પ્રતિતિ કરાવે છે.

ભવનાથની તળેટી જૂનાગઢમાં રહેતા ઝેનાબ ને જડબાના ભાગમા સાર્કોમાં ગાંઠ જોવા મળી હતી. સાર્કોમાં એક પ્રકારની દુર્લભ ગાંઠ છે. તેમાં પણ ૪ વર્ષની બાળકીમાં જોવા મળી હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો.

નાનીવયમાં આવી ગંભીર ગાંઠ જણાઇ આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા. વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જતા ત્યાના તબીબો પણ આ પ્રકારની ગાંઠ જોઇ સ્તબ્ધ રહી ગયા હતા. તબીબોએ ઝેનાબના પરિવારજનોને આવા ગંભીર પ્રકારની સર્જરી ફકત અમદાવાદની સિવિલ મેડિસિટીની જી.સી.આર.આઇ. ઇન્સ્ટીટ્યુટમાં જ શકય હોવાનું જણાવી જી.સી.આર.આઇ. મોકલ્યા હતા.

માઇક્રોવેસ્કયુલર સર્જરીને કોઠાસુઝ અને પોતાના અનુભવથી સફળતાપૂર્વક પાર પાડનારા પ્લાસ્ટિક સર્જન ડો. હેમંત સરૈયા કહે છે કે,ઝેનાબના કિસ્સામાં કેન્સરગ્રસ્ત જડબાનો ભાગ કાઢવામાં ન આવે તો મોઢાના અન્ય ભાગમાં કેન્સર ફેલાવાની શકયતાઓ પ્રબળ હતી.જે બાળકીના જીવને જોખમ ઉભુ કરે તેમ હતુ. આ પરિસ્થિતિઓ વચ્ચે વધુ પડકારજનક હતુ કાઢેલા જડબાને પુનઃસ્થાપિત કરવું.

કેન્સરગ્રસ્ત જડબું કાઢીને ફરી વખત બનાવવામાં ન આવે તો બાળકીનો ચહેરો બેડોળ બનાવાની સંભાવના પણ રહેલી હતી. આ સર્જરીમાં તેના દાંત સામ-સામે ન બેસે તો સમગ્ર જીવનકાળ દરમિયાન પ્રવાહી ખોરાક પર રહેવાની ફરજ પડે તેમ હતું. આ તમામ પરિણામો બાળકીના શારીરીક અને માનસિક વિકાસ પર પણ અસર પહોંચાડે.

બાળકીનું જડબું બનાવવામાં પણ ઘણી મુશકેલીઓ હતી. કારણ કે,બાળકના પગનું હાડકુ ઘણું નાનું અને પાતળું હોય છે. જેથી તેને આરી થી કાપીને જડબાના સ્વરૂપમાં રૂપાતંરિત કરવું પડે છે. આ દરમિયાન૧મી.મી. જેટલી પણ ખામી સર્જાય તો બાળકીના બંને જડબા બરાબર બેસી શકે નહીં. વળી આરીથી હાડકુ કાપતી વખતે જડબાની નીચેના ભાગમાં રહેલી લોહીની નળી ભૂલથી કપાઇ જાય તો આખું હાડકુ નકામું બની શકે. જેથી નવઆકાર લઇ રહેલા હાડકામાં અતિમોંઘી ટાઇટેનીયમની ત્રણ-ચાર પ્લેટો અને૧૨થી૧૬જેટલા સ્ક્રુ નાંખી તેને જોડવાની જરૂરિયાત ઉભી થઇ.

આ સમગ્ર સર્જરીનો સૌથી જોખમી હિસ્સો આ હાડકાની વાળ જેટલી ત્રણ લોહીની નળીઓને ગળા અને મગજની નળીઓ સાથે જોડીને તેમાં લોહીનું પરિભ્રમણ પૂર્વવત કરવાનો હતો. જો કરવામાં ન આવે અને કોઇપણ નળી બ્લોક થઇ જાય અને નવનિર્મિત હાડકુ સળી જવાની પ્રબળતા રહેલી હતી.

આ તમામ પરિસ્થિતિ સાથે જી.સી.આર.આઇ.ના પ્લાસ્ટીક સર્જન ડો. હેમંત સરૈયા, ડો.પ્રીતમ અને કેન્સર સર્જન ડો.ઉમાંક ત્રિપાઠી અને ટીમે આ પડકારજનક ઓપરેશનને સળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઉપાડ્યું.

તેઓએ સૌ પ્રથમ ગળામાં કાણું પાડીને બાળકીને શ્વાસ માટેની હંગામી વ્યવસ્થા ગોઠવી અને કેન્સરગ્રસ્ત જડબું કાઢી નાંખાવમાં આવ્યું. ત્યારબાદ બાળકીના ડાબા પગનું હાડકું,લોહીની નળીઓ ચામડી સાથે લેવામાં આવી.

કાપેલા નવા હાડકાને જડબાના માપ મુજબ આકાર આપવામાં આવ્યો. ત્યારબાદ તેને સપોર્ટ અને મજબૂતાઇ માટે ટાઇટેનીયમની પ્લેટ્સ અને સ્ક્રુ સાથે બેસાડવામાં આવ્યા.

ત્યારબાદ આ ફલેપની ત્રણ લોહીની નળીઓને કે જે વાળ જેટલી પાતળી હતી તેને ગળાની અને મગજનાં ભાગમાંથી રકતવહન કરતી નળીઓ સાથે માઇક્રોસ્કોપની મદદથી ગળાના ભાગને૮થી૧૦ગણું મોટું કરી જોડવામાં આવી. આમ લોહીનું પરિભ્રમણ પુનૅંકાર્યરત થયું.

ઓપરેશન બાદ આ નળીઓ સંકોચાઇ ન જાય અને લોહીનો ગઠ્ઠો આવી જવાથી બ્લોક ન થઇ જાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું.૯કલાકની અતિજટીલ સર્જરીના અંતે ઝેનાબની પીડાનો સુખદ અંત આવ્યો. હવે તે પીડામૂકત થઇ નીરાંતની નીંદર લઇ રહી છે. આગામી સમયમાં ઝેનાબની ફીઝીયોથેરાપી કસરતની શરૂઆત કરવામાં આવશે અને થોડા સમયબાદ નવા દાંત પણ નાંખવામા આવશે.

આ સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પડ્યા બાદ અને પોતાના દીકરીને પીડામૂકત જોઇ પરિવારજનો ભાવવિભોર થયા હતા. તેઓએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ રાજય સરકાર અને જી.સી.આર.આઇ.ના તબીબોનો૮થી૧૦લાખ જેટલી ખર્ચાળ અને અતિજટીલ સર્જરી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા અને અતિજોખમી સર્જરી સફળતાપૂર્વક પાર પાડવા બદલ લાગણીસભર આભાર માન્યો હતો.

G.C.R.I.ના ડાયરેકટર ડો. શશાંક પંડ્યાએ જણાવ્યું છે કે,કેન્સરગ્રસ્ત નાગરિકો માટે રાજય સરકારના સહયોગથી અમારી ઇન્સ્ટીટ્યુટમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલ્ધ કરાવવામાં આવી છે. દર્દીઓને વિનામૂલ્યે અથવા તો નજીવા ખર્ચે કેન્સરની તમામ ખર્ચાળ સારવાર ઉપલબ્ધ થઇ રહી છે. દેશની અન્ય કેન્સર હોસ્પિટલમાં ન હોય તેવી અત્યાધુનિક મશીનરી અને ટેકનોલોજીની મદદથી કેન્સરગ્રસ્ત દર્દીઓના નિદાન સારવાર માટે જી.સી.આર.આઇ. કટિબધ્ધ છે.

ગુજરાતની લોકહિતલક્ષી સરકાર પ્રત્યેક ગરીબ-જરૂરિયાતમંદ માનવીને વિના વિલંબે આરોગ્યલક્ષી તમામ સેવાઓ પૂરી પાડવા સમર્પિત અને કૃતનિશ્રયી છે.

(2:09 pm IST)