Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કચ્છના મુન્દ્રામાં રસીકરણના કાર્યક્રમમાં હોબાળો : ટોકન વહેંચવામાં લાગવગશાહીનો આરોપ

નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમાર, તેમજ વિપક્ષી સભ્યોએ દોડી જઈને મામલો થાળે પાડ્યો

કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં આજે ઘણા દિવસ પછી રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે લોકો રસી લેવા ઉમટી પડ્યા હતા. પણ રસી આપવામાં ક્યાંક ને ક્યાંક લાગવગ કામ કરી રહી હોવાનું લોકો ને લાગતા ભારે હોબાળો સર્જાયો હતો. ટોકન વહેચવામાં પણ લાગવગ શાહી ચાલતી હોવાનું પણ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. પોતાના લાગતા વળગતા લોકોને એક સાથે ૫૦-૫૦ ટોકનો વહેચાયા હોવાની ચર્ચા ચગડોળે ચડી હતી.

અગાઉ પણ શિશુ મંદિર માં યોજાયેલા રસીકરણ કાર્યક્રમ માં આ રીતે હોબાળો થયો હતો ત્યારે તંત્ર ધ્યાન આપે તે ઈચ્છનીય છે. આજે હોબાળાના પગલે મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમાર, તેમજ વિપક્ષી સભ્યો દોડી જઈને મામલો થાળે પાડ્યો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે વેકસીનને લઈને મુન્દ્રા શહેરમાં અવારનવાર આવી ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે જવાબદાર ઘટતું કરે તે જરૂરી બની રહે છે. લોકોને વેકસીનના સ્થળ પર પરેશાન થવું ન પડે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ.

સરકારી કેન્દ્રોમાં ફ્રીમાં રસીકરણ થાય છે, પરંતુ રસીના જથ્થાની અછતને કારણે લોકો રસી લેવા ધક્કા ખાધા કરે છે. કેટલીકવાર કલાકો સુધી લાઇનમાં ઉભા રહી, પછી રસીનો જથ્થો ખતમ થઇ જતા રસી લીધા વગર જ પાછા ફરે છે. મહત્વની વાત તો એ છે કે, રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં અંદાજે રૂા.34 કરોડની રસી વેચાઇ છે. જયારે રસી વેચીને ખાનગી હોસ્પિટલોએ રૂા.6 કરોડનો નફો રળ્યો છે. ગુજરાતમાં કેન્દ્ર તરફથી આવતા કુલ રસીના જથ્થા પૈકી 75 ટકા રસી સરકારી રસીકેન્દ્રોને ફાળવવામાં આવે છે. જયારે 25 ટકા રસી પ્રાઇવેટ સેક્ટરને અપાય છે.

(12:23 am IST)