Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

કચ્છમાં કોરોના બની રહ્યો છે કાળઃ વધુ એક મોત સાથે મૃત્યુ આંક ૪૮, નવા ૩૦ કેસ સાથે કુલ કેસ ૯૮૮

સરકારની કામગીરીના દાવાઓ વચ્ચે કચ્છમાં ઉલ્ટું ચિત્ર, આંકડાઓની રમત જારી, સ્થાનિક નેતાઓના મૌન વચ્ચે સરકાર બાબુશાહીમાં અટવાઈ

ભુજ,તા.૨૦: ગુજરાતમાં એક બાજુ કોરોનાનો વ્યાપ છેવાડાના જિલ્લા અને ગામડાઓ સુધી વધી રહ્યો છે, બીજી બાજુ સરકાર પોતાની કામગીરીના જાતે જ ઓવારણા લે છે. એની વચ્ચે વાસ્તવિકતા અલગ જ છે. કચ્છની વાત કરીએ તો કોરોનાએ હવે રીતસર આતંક મચાવવાનું શરૂ કર્યું છે.

કેસની સંખ્યા અને મોત બન્ને દિનપ્રતિદિન વધતા જાય છે. પણ, શરૂઆતથી જ અસંકલન સાથે શંકાના દાયરામાં રહેલ તંત્રની કામગીરી સુધરી નથી. જોકે, આના કારણે લોકોમાં સરકાર બાબુશાહીમાં અટવાઈ હોવાની શંકા સાથે સરકારની પ્રતિષ્ઠા સામે સવાલો થઈ રહ્યા છે.  કચ્છમાં ગઈકાલે કોરોનાએ વધુ એક માનવ જિંદગીનો ભોગ લેતાં કુલ મૃત્યુ આંક વધીને ૪૮ થયો છે. જોકે, સરકારી ચોપડે ૪૦ મોત છે. પણ, તંત્રના ખુદના આ આંકડાઓ જ વાસ્તવિકતા કહી આપે છે. સરવાળા, બાદબાકી કરી જોઈએ તો નવા ૩૦ કેસ કચ્છમાં કુલ દર્દીઓની સંખ્યા ૯૫૮ દર્શવાઈ છે.

જેમાં સાજા થયેલા દર્દીઓ ૭૧૧ છે. જયારે એકિટવ કેસ ૨૨૯ છે. (સાજા થયેલા ૭૧૧+૨૨૯ એકિટવ કેસનો સરવાળો કરીએ તો દર્દીઓની સંખ્યા ૯૪૦ થાય છે) હવે ૯૮૮ કુલ દર્દીઓમાંથી ૯૪૦ દર્દીઓ બાદ કરીએ તો ૪૮ દર્દીઓ ઘટે છે. જે મૃત્યુ પામ્યા છે. જોકે, કચ્છના તંત્રનો ખેલ અહીંથી અટકતો નથી, સરકારના ડેશબોર્ડ પર પણ અલગ આંકડાઓ જોવા મળે છે.ઙ્ગ જોકે, ચિંતાજનક વાત એ છે કે, કચ્છના ત્રણ શહેરો ગાંધીધામ, અંજાર અને ભુજ હોટસ્પોટ બની રહ્યા છે. ગઈકાલે ૩૦ કેસમાં ગાંધીધામમાં ૧૦, ભુજમાં ૮, અંજારમાં ૫, રાપરમાં ૩, અબડાસામાં ૨, માંડવી ૧, નખત્રાણા ૧ કેસ નોંધાયો છે.

જયારે ગાંધીધામના નાનજી દેવરાજ મહેશ્વરી (ઉ.૫૯) નું મંગળવારે સાંજે ૭ વાગ્યે મોત નીપજયું હતું, જેની વિગત ૨૪ કલાક પછી છેક બુધવારે ગઈકાલે મોડી રાતે જાહેર કરાઈ છે.

(11:17 am IST)