Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

જૂનાગઢના પ્રમુખનગર વિસ્‍તારમાં બંધ મકાનમાં સાતમની રાતે તસ્કરોએ પાડ્યું ખાતર : ૯.૯૬ લાખની મત્તાની ચોરી

11 તોલા સોનું સહિત 5.80 લાખ રોકડ મળી કુલ 9.96 લાખની ચોરી : પોલીસની ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ શરૂ

જૂનાગઢ શહેરમાં સાતમની રાતે પ્રમુખનગર વિસ્તારમાં એક બંધ મકાનના તાળા તોડીને તસ્કરો 11 તોલાના સોનાના દાગીના અને 5.80 લાખ રોકડ મળીને 9.96 લાખની માલમતા ચોરી જતા ચકચાર મચી છે. પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ શરુ કરી છે.

જૂનાગઢમાં કે.વી.એમ.સ્કુલ સામે આવેલ પ્રમુખનગર મેઈન રોડ પર રહેતા નિવૃત જગમાલભાઈ નાથાભાઈ કરગીયા ઉ.60 એ આ મામલે સી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોધાવી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે, તેઓ નિવૃત જીવન ગાળે છે, તેમના પુત્ર દિનેશ અને પુત્રવધુ દક્ષાબેન બને શિક્ષક છે, તેઓને બામણાસા ઘેડમાં ખેતર અને મકાન છે.

સાતમ-આઠમની રજામાં તેમના દીકરા-વહુ બને બામણાસા ગયેલ હતા, અને જૂનાગઢ ઘરે જગમાલભાઈ અને તેમના પત્ની એકલા હતા, ત્યારે સાતમની રાતે 10 વાગ્યે જમીને તેઓ પડોશમાં બેસવા ગયેલા અને મોડી રાતે સુઈ ગયેલા હતા, ત્યારે તેના બંધ મકાનના મેઈન દરવાજાનું તાળું તોડીને તસ્કરોએ ઘરમાં સામાન વેરવિખેર કરીને કબાટમાંથી ખેતીની ઉપજ, દીકરા-વહુના પગારના મળીને 5.80 લાખ રોકડા રાખેલ તે ચોરી કરી લીધા હતા.

તેમજ સોનાના દાગીના ભરેલી સુટકેશમાંથી સોનાનું પેન્ડલ, ચેન, વીટી, સેટ, બુટી સહીત 11 તોલા સોનાના દાગીના તેમજ ચાંદીના 3 સિક્કા મળીને કુલ ઘરમાંથી 9.96 લાખની માલમતાની ચોરી કરી નાસી ગયા હતા, વહેલી સવારે ચારેક વાગ્યે નિંદર ઉડતા માલુમ પડ્યું કે, ઘરમાં ચોરી થયેલ છે. જેને લઈને સી ડીવીઝન પોલીસને જાણ કરતા પીએસઆઈ જે.જે.ગઢવી સહિતના સ્ટાફે આવીને એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ શરુ કરી છે.

(1:30 pm IST)