Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ભાવનગર માં ઓમ સેવા ધામ દ્વારા વિવિધ ક્ષેત્રે સેવા કરતાં મહાનુભાવોનું સન્માન કરીને જન્માષ્ટમી ઉત્સવની અનોખી ઉજવણી કરાઇ

કોઈ જીવને પીડા આપવી તે સૌથી મોટું પાપ, પરમાર્થથી કૃષ્ણ રાજી રહે : મહામંડલેશ્વર પૂ.ગરીબરામ બાપુ

(  વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર : સેવા ધર્મ સૌથી મોટો ધર્મ છે, પરમાર્થથી કૃષ્ણ રાજી રહે છે. જેનાં હૃદયમાં પરમાર્થ હોય તે ઈશ્વરને પ્રિય હોય છે. કેટલાંક લોકો નિંદા કરે, કટુ વચન બોલે તો પણ સહનશીલતા સાથે સેવાધર્મ ચાલું રાખવો જોઈએ. કોઈપણ જીવને પીડા આપવી તે સંસારમાં સૌથી મોટું પાપ છે અને કોઈપણ જીવને સુખ શાંતિ આપવી તે સૌથી મોટું પુણ્ય છે. તેમાં કુદરત ખૂબ રાજી રહે છે તેમ ખોડિયાર પીઢાધીશ્વર એવમ્ મહામંડલેશ્વર પૂ. ગરીબરામ બાપુએ ભાવનગરની નિઃસહાય વૃધ્ધોના આશ્રયસ્થાન સમી ઓમ સેવા ધામ સંસ્થા દ્વારા આયોજિત જન્માષ્ટમી પર્વ મહોત્સવમાં પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું.
સરદારનગર ખાતે આવેલ મેઘાણી ઓડિટોરિયમ ખાતે ઓમસેવા ધામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ક્ષેત્રે સેવા કરતાં મહાનુભાવોનું સન્માન કરવાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સન્માનમાં ગ્રીન સિટીના દેવેનભાઈ શેઠ (શેઠ બ્રધર્સ),  વિકલાંગોના ગાંધીજી એવાં લાભુભાઈ સોનાણી,  સેવાના ભેખધારી ભરતભાઇ મોણપરા,પોલીસ દીદી અલકાબેન ડોડીયા, હેરીટેઝ હીરોઝ ક્લબ, સમાજ સેવિકા અને લેખિકા પ્રો. વર્ષાબેન જાની,  નિરાધારનો આધાર આશિષભાઈ શાહ, ભાઈબંધની નિશાળવાળા ઓમભાઈ ત્રિવેદી, મોક્ષ મંદિરમાં સેવા આપતાં સુરેશભાઈ ડાભી, સ્વચ્છતા અભિયાન માટે ગોહિલ વિપુલાબેન અને બારૈયા હંસાબેન, રીક્ષા એક સેવા રથ માટે હમજીભાઈ મોરી સહિતના લોકોનું સન્માન કરાયું હતું.

 આ તકે તપસીવાડી જગ્યાના મહંત શ્રી રામચંદ્રદાસજી બાપુએ જણાવ્યું કે, સેવા કાર્ય સાથે જોડાયેલાં લોકો સંત સમાન છે. ભાવનગરનું ગૌરવ છે. તેમના સેવાકાર્ય આવકાર્ય છે. કાર્યક્રમમાં સંતો ઉપરાંત અતિથી વિશેષ તરીકે આધ્યાત્મિક ગુરુશ્રી શૈલેષદાદા પંડિત, શહેર ભાજપ અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા, યુવા ઉદ્યોગપતિ નરેન્દ્રસિંહ ગોહિલ,  ભા.જ.પ. મહામંત્રી અરુણભાઈ પટેલ, ઓમ સેવા ધામના પ્રમુખ વિજયભાઈ કંડોલિયા, અમીબહેન મહેતા વગેરે જોડાયાં હતાં

૧૨૫ બાલ કૃષ્ણની વેશભૂષામાં 'શ્રેષ્ઠ કૃષ્ણ-૨૦૨૨' તરીકે પ્રથમ ક્રમે વકાણી આઘ્યા, બીજા ક્રમે વાળા જયદીપ અને ત્રીજા ક્રમે ગોહીલ આરાધ્યાને અવોર્ડ એનાયત કરાયાં હતાં. અન્ય તમામ બાળ કૃષ્ણ બનેલ બાળકોને પારિતોષિક અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયાં હતાં.

(7:23 pm IST)