Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

જામનગરના પોલીસ તંત્ર દ્વારા મેળામાં ચુસ્તો બંદોબસ્ત જાળવાયો

૨૦ થી વધુ સીસીટીવી કેમેરાઓ દ્વારા સમગ્ર મેળાનું મોનિટરિંગ કરાયું

 જામનગર: જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા લોકમેળા દરમિયાન લોકોની સુખાકારી માટે તેમજ પોલીસ સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે હંગામી પોલીસ સ્ટેશન ઊભું કરી દેવાયું છે. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા તેનું સંચાલન કરાઈ રહ્યું છે. સાથો સાથ સીસીટીવી કેમેરાની પણ સુવિધા ઉભી કરીને તેનું મોનિટરિંગ કરવામાં આવ્યું છે.
 જામનગર શહેર વિભાગના ડીવાયએસપી શ્રી જે. એન. ઝાલા ના માર્ગદર્શન હેઠળ સીટી એ. ડિવિઝનના એમ.જે. જલૂ સીટી બી. ડિવિઝનના પી.આઇ. કે.જે.ભોયે સહિતના અધિકારીઓની રાહબરી હેઠળ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, અને રાઉન્ડ ધ ક્લોક પોલીસ સ્ટાફને ફરજ પર મુકવામાં આવ્યા હતા. જેના કારણે કોઈ અઘટિત બનાવ બન્યા ન હતા. સાતમ આઠમના તહેવારો દરમિયાન ત્રણ નશાબાજો પકડાયા હતા, ત્યારે બે ખીસ્સા કાતરૂં જેવા લાગતા બે શકમંદોની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. મેળા દરમિયાન અન્ય કોઈ અનિચ્છનિય બનાવ બન્યો ન હોવાથી પોલીસ તંત્રએ રાહત અનુભવી છે.
મેળામાં આવનારા લોકો ની પજવણી ન થાય, તેમજ પિક પોકેટિંગના બનાવ ન બને તેના ભાગરૂપે ૨૦ થી વધુ સીસીટીવી કેમેરાઓ લગાવાયા છે, જેનો કમાન્ડ કંટ્રોલ હંગામી પોલીસ ચોકીમાં રાખવામાં આવ્યો હતો, જેના તમામ સીસીટીવી કેમેરાઓ ની મદદથી પોલીસ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

(7:48 pm IST)