Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

જામનગર ના જન્માષ્ટમીના મેળામાં વીજ તંત્ર એ રંગ રાખ્યો: કોઈ વીજક્ષેપ નહીં

ફાયર બ્રિગેડની ટુકડી પણ ફાયર ફાઈટર અને ફાયરના જવાનો સાથે સ્ટેન્ડ બાય માં રખાઈ

 જામનગર: જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા શ્રાવણી મેળા દરમિયાન વીજ તંત્રએ રંગ રાખ્યો છે, અને કોઈ પણ પ્રકારના વિજ વિક્ષેપ વિના વિજ પુરવઠો ચાલુ રહ્યો હોવાથી ઉત્સવ પ્રેમી જનતાએ મેળાની રંગત માણી હતી. ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડી પણ સમગ્ર મેળા દરમિયાન સ્ટેનબાય માંજ રહી છે.
 જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા શ્રાવણી મેળા દરમિયાન મેળા ના ધંધાર્થીઓ દ્વારા ૭૫ કિલો વોટ નું એક વીજ કનેક્શન જ્યારે ૫૦ કિલો વોટ ના કુલ ચાર વીજ કનેક્શન મેળવવામાં આવ્યા છે, અને પ્રદર્શન મેદાન ના આગળના ભાગે તેમ જ પાછળના ભાગે આવેલા વીજ ટ્રાન્સફોર્મર માંથી તમામ વિજ જોડાણ આપવામાં આવ્યા છે, અને વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઇજનેર અજય પરમાર ની હેઠળ તેમજ જુનિયર ઈજનેર એન.બી. કોલડીયા તથા અન્ય સ્ટાફ સતત ખડે પગે રહ્યો હતો, અને જુદા જુદા ચાર કર્મચારીઓની ટુકડીને  રાઉન્ડ-ધ-ક્લોક રાખવામાં આવી હતી. ઉપરાંત દર કલાકે તમામ વીજ મિટરોમાં રીડિંગ લેવામાં આવ્યા હતા, જ્યારે વીજ લોડ અંગેનું ચેકિંગ કરીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. એક પણ પ્રકારનો વીજ વિક્ષેપ થયો ન હોવાથી રંગબેરંગી રોશની સાથેની રાઇડો માં બેસીને લોકોએ ભરપૂર મનોરંજન માણ્યું હતું.
 જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ પણ સતત ખડે પગે રહી હતી. ગુજરાત રાજ્યના ફાયર વિભાગ ના ડાયરેક્ટર કે.એન.બીશ્નોઈની રાહબરી હેઠળ અને ફાયર ઓફિસર પાંડિયનની આગેવાનીમાં ફાયર શાખાની ટુકડી પણ સતત ખડે પગે રહી હતી. મેળા મેદાન ની વચ્ચે હંગામી ફાયર સ્ટેશન બનાવાયું છે, જેમાં એક ફાયર ફાઈટર તહેનાતમાં રખાયું હતું, અને ચાર ચાર ફાયરમેનોની ટીમને રાઉન્ડ ધ ક્લોક તહેનાત માં મૂકવામાં આવી છે. જોકે આગ અકસ્માતનો કોઈ બનાવ બન્યો ન હોવાથી પણ રાહતના સમાચાર છે.

(7:52 pm IST)