Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

નરેન્દ્રભાઈના જન્મદિને કચ્છના બિદડા ગામની અનોખી પહેલ: ૭૧ હજાર વૃક્ષોનું વાવેતર : મંત્રી, સાંસદ, ધારાસભ્ય, સરપંચની ઉપસ્થિતિમાં ગામલોકોનો વૃક્ષારોપણનો સંકલ્પ

(વિનોદ ગાલા દ્વારા ) :  (ભુજ) એક વૃક્ષ સો પુત્ર બરાબર એવું આપણા વડવાઓ અને ઋષિઓ કહે છે. એક વૃક્ષ દસ પેઢી તારે..... જેને એક અનોખી ભેટ તરીકે સાકાર કરશે માંડવી તાલુકાના બિદડા ગ્રામજનો.

હા, લોકપ્રિય અને પોતાના વડાપ્રધાનના જન્મદિને અનોખી ભેટ આપવા બિદડા ગ્રામજનોએ દાતા મહાજન ચંદવદન દામજી હરિયાના સહયોગથી ગામની ૬૨ એકર ગૌચર જમીનમાં ૭૧ હજાર વૃક્ષો ૨૭૧ દિવસમાં રોપવાનો યજ્ઞ આરંભ્યો છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિને તા.૧૭/૯/૨૦૨૧ના રોજ બિદડા ગામે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના વરદ હસ્તે વૃક્ષારોપણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

બીદડા મદયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ૭૧માં જન્મ દિવસ ઊજવણીમાં ૭૧ હજાર વૃક્ષોરોપણ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ સાથે કચ્છ-મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારા, અગ્રણીશ્રી કેશુભાઇ પટેલ, ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, પ્રભારી હિતેષભાઈ ચૌધરી, દિલીપભાઈ દેશમુખ, સરપંચ સુરેશભાઈ સંઘાર સહિત સૌ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગામ સરપંચ સુરેશભાઇ સંઘાર કહે છે એમ ૧ હેકટર દિઠ ૧૨૦૦ વૃક્ષો પૈકી પાંચ એકરમાં ઔષધીય વૃક્ષો, પાંચ એકરમાં કુદરતી ચબુતરો તેમજ અન્ય પારંપરિક અને ઓકિસજનના સ્ત્રોત એવા વૃક્ષો રોપવામાં આવશે. ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરણાથી સૌ ગ્રામજનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની ભેટ આપવા આ અનોખું કાર્ય વિચાર્યુ હતું અને આજે દાતા ચંદવદનજીએ તેમાં સહકાર કર્યો છે. ડ્રીપ ઈરીગેશન અને બે  માણસો આ ૭૧ હજાર વૃક્ષોની સાચવણી અને જાળવણીમાં રોકવામાં આવશે એમ સરપંચશ્રી જણાવે છે.

માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને પર્યાવરણ જતન અને વૃક્ષોની ભેટ આપી અમે સૌ તેમનું ઋણ ચૂકવવાનો નાનકડો પ્રયાસ કરવાનું વિચાર્યુ અને સૌએ તેમાં સાથ આપી આ ૭૧ હજાર વૃક્ષોના વાવેતરના વિચારને વધાવી લીધો છે. મહાજન દાતાશ્રી ચંદવદન દામજીભાઇ અને બિદડા ગ્રામવાસીઓનો સહકાર અને ઉત્સાહ પ્રશંસનીય છે જેને ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે પણ સહર્ષ વખાણ્યો છે. બિદડાના હાલ અમેરિકા વસતા દાતા ડો.દામજી વિરજી હરિયા પરિવારના પુત્ર ચંદવદનજીએ વતનપ્રેમ આ વિચારને વધાવી લીધો છે.

હમ રહે ના રહે..... રહેગી સદા યર્હાં યે હસી વાદિયા.............. કદાચ આ પંકિતઓ આવા કોઇ ઉમદા વતનપ્રેમ અને પોતાને પ્રિય એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને પર્યાવરણની અનોખી ભેટ આપવાના ઉત્સાહને જ રજૂ કરે છે.

(9:32 am IST)