Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કચ્છના મુન્દ્રા બંદરે ઝડપાયેલ અ..ધ..ધ ૯૦૦૦ હજાર કરોડના હેરોઈન પ્રકરણમાં ચેન્નાઈની મહિલા સહિત બેની ધરપકડ

ભારતમાં ઝડપાયેલ અત્યારસુધીના વિક્રમી જથ્થામાં હવે ડીઆરઆઈ, એનસીબી પછી એનઆઈએ તપાસ માટે મેદાનમાં, ડ્રગ્સ માફિયાઓનું મોટું નેટવર્ક તોડવા એજન્સીઓ વચ્ચે તાલમેલ અને કડક તપાસ જરૂરી, પોર્ટ ઉપર તૈનાત કસ્ટમની ભૂમિકા સામે સવાલો

(વિનોદ ગાલા દ્વારા) :  (ભુજ) કચ્છના મુન્દ્રા સ્થિત અદાણી બંદરે ઈરાનથી આવેલ ટેલકમ પાઉડરના ઓઠા નીચે નીકળેલ હેરોઈનના જથ્થાનો આંક ૯૦૦૦ હજાર કરોડને આંબે છે. જોકે, છેલ્લા પાંચ દિવસથી આ મામલે તપાસ કરતી તપાસનીશ એજન્સી ડીઆરઆઈ દ્વારા અત્યાર સુધી કોઈ પણ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પણ બે કન્ટેનર માં ઝડપાયેલ મોટી બેગોમાં આવેલ હેરોઈન ઈરાનના અબ્બાસ બંદરેથી હસન હુસેન લિ. કંદહાર અફઘાનિસ્તાન દ્વારા ભારતની વિજયવાડા સ્થિત આશી. ટ્રેડિંગ કંપનીને મોકલવામાં આવ્યું હતું. જે મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર 'ઇન્ટર સિડની' નામના શીપમાં આવ્યો હતો અને મુન્દ્રા અદાણી બંદરે ખાનગી કન્ટેનર સ્ટેશન જીટી ટર્મિનલ મધ્યે પેસેફિક ઇન્ડસ્ટ્રીયલ (અમદાવાદ) કસ્ટમ હાઉસ એજન્ટ દ્વારા કસ્ટમ વિધિ કલિયર કરવી રાખવામાં આવ્યો હતો. દરમ્યાન ડીઆરઆઈ તપાસમાં હેરોઈનનો મોટો જથ્થો જણાતા નાર્કોટિક્સ બ્યુરો એ તપાસમાં ઝુકાવ્યું હતું. ગુજરાત એટીએસ પોલીસ પણ સતર્ક બની હતી. ગુપ્તચર એજન્સીઓને પણ મામલો ગંભીર જણાતા અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ. પરિણામે તપાસ સઘન બની કસ્ટમ હાઉસ એજન્ટની પૂછપરછ સાથે આયાતકાર પાર્ટી ચેન્નાઈની મહિલા વૈશાલી અને તેના પતિ સુધાકરની ડીઆરઆઈએ ધરપકડ કરી છે. પતિ પત્ની બંને ને ભુજ જેલમાં રખાયા છે આજે તેમને રિમાન્ડ માટેની માંગણી સાથે ભુજ કોર્ટમાં રજૂ કરાશે. દરમ્યાન કેફી દ્રવ્યોની દાણચોરી સાથેનો આ ગુનો દેશદ્રોહ જેવો અતિ ગંભીર હોઈ એનઆઈએ જેવી એજન્સીઓ જો આમાં ઝંપલાવે તો ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓની લીંક ખૂલે. જોકે, સૌથી વધુ સવાલ પોર્ટ ઉપર તૈનાત કસ્ટમ તંત્ર સામે છે. તો, આવા કિસ્સાઓમાં ફોરેન ટ્રેડ માટે થતી વિધિ પાર્ટીઓને અપાતી આઈડી વિગેરેમાં પણ કલીયરન્સ આપનાર અધિકારીઓની ભૂમિકા આયાતકારોના બેંક એકાઉન્ટ વિગેરેની ઊંડી તપાસ કરવી જરૂરી છે.

(11:12 am IST)