Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

જામકંડોરણા તાલુકામાં અતિવૃષ્ટીને કારણે ખેતીમાં થયેલ નુકશાનીનું તાત્કાલીક વળતર ચૂકવવાની માંગ સાથે ભારતીય કિશાન સંઘ દ્વારા આવેદનપત્ર

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ર૦ :.. તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ઉદેશીને જામકંડોરણા મામલતદારને જામકંડોરણા તાલુકામાં અતિવૃષ્ટિને કારણે ખેતીમાં થયેલ નુકશાનીનું વળતર તાત્કાલીક ચુકવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવેલ છે કે જામકંડોરણા  તાલુકામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતના ખેતરો ધોવાયેલ છે ખેતરમાં રહેલ પાણીની પાઇપ લાઇનો નદીમાં તણાઇ ગયેલ છે તેમજ મકાનોને નુકશાન થયેલ છે જમીનમાં વાવેલ પાકો કપાસ, મગફળી વગેરે પાકો જમીન ધોવાઇ જવાથી સંપૂર્ણપણે ઉખડીને તણાઇ ગયેલ છે ખેતરની માટીનું પાણી સાથે ધોવાણ થવાથી ખેતરમાં છીપરા તથા પથ્થરો દેખાઇ ગયેલ છે ખેતરના શેઢા પાળા તુટી ગયેલ છે ખેતરો બંજર થઇ ગયેલ છે શેઢા પાળા તથા ખેતરમાં નાખવા માટે માટી કોઇપણ જગ્યાએ મળી શકે તેમ નથી. ખેડૂતોના ઉભા પાકને તથા ખેતરોને નુકશાન થવાથી ખેડૂત આર્થિક પાયમાલ થઇ ગયેલ છે જેથી ખેડૂતોનું પાક ધિરાણ માફ કરી અને વિમો આપવાની માંગ કરેલ છે તેમજ ખેતરમાંથી માટી ધોવાયેલ હોય તેના માટે સરકાર સહાય કરી ખેડૂતને તાત્કાલીક રીપેરીંગ માટે યોજના બનાવવાની તેમજ ગ્રામ્ય રસ્તા, ખેતરના રસ્તા, રસ્તાના નાલા પલીયા તુટી ગયેલ છે તે સત્વરે રીપેર કરવાની તેમજ ખેડૂતોના માલ ઢોર અને પલળી ગયેલ ઘાસચારાનું સર્વે કરી ખેડૂતોને સહાય આપવાની માંગ કરેલ છે. આ આવેદનપત્ર આપતી વેળાએ જામકંડોરણા તાલુકા ભારતીય કિશાન સંઘના પ્રમુખ વિનોદભાઇ દેસાઇ, મંત્રીશ્રી જયસુખભાઇ દેશાઇ સહિતના હોદેદારોએ હાજરી આપી હતી.

(11:49 am IST)