Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ઇન્ટરનેશનલ કોસ્ટલ કલીનઅપ-ડે નિમિતે સોમનાથ દરિયા કિનારેથી ૩૦૦ લોકો દ્વારા ૧,૪૫૦ કિલો કચરાનો નાશ

 વેરાવળ-પ્રભાસ પાટણ : ઇન્ટરનેશનલ કોસ્ટલ કલીનઅપ ડે ની સોમનાથ સમુદ્ર કિનારે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોમનાથના સમુદ્ર કિનારે વેરાવળ કોસ્ટગાર્ડ, પોલીસ સ્ટાફ, પાલીકા, સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું. જેમાં જિલ્લા કલેકટર, કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ સહિતના અધિકારીઓ જોડાયા હતા. સફાઈ અભિયાનમાં તંત્રના જુદા જુદા વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિત ૨૫૦ થી ૩૦૦ લોકો સહભાગી થયા હતા. આજે સોમનાથના સમુદ્ર કિનારે ઇન્ટરનેશનલ કોસ્ટલ કલીનઅપ ડે ને લઈ યોજાયેલ સફાઈ અભિયાન અંગે કોસ્ટગાર્ડના કમાન્ડન્ટએ જણાવેલ કે, આજે ઉજવણીનો મુખ્ય હેતુ સમુદ્ર કિનારાને સ્વચ્છ રાખવાનો છે. કારણ કે, વર્તમાન સમયમાં પ્લાસ્ટીકના વધુ ઉપયોગના લીધે લોકો દરીયાકિનારે પ્લાસ્ટીકનો કચરો ફેંકી દેતા હોય છે. જેના કારણે દરિયામાં અને કિનારા પર મોટાપાયે પ્રદુષણ ફેલાતું હોવાથી દરીયો પ્રદુષિત થઈ રહ્યો છે. ત્યારે ઇન્ટરનેશનલ કોસ્ટલ કલીનઅપ ડે ની ઉજવણી થકી ભવિષ્યની પેઢીને સ્વચ્છ વાતાવરણ સાથે દરિયાકિનારો મળે તે હેતુ છે. જેને સાર્થક કરવા આજે સોમનાથના સમુદ્ર કિનારે હાથ ધરાયેલ ૨૫૦ થી ૩૦૦ જેટલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. જયારે જિલ્લા કલેકટર આર.જી. ગોહિલએ જણાવેલ કે, પર્યાવરણ બચાવવા અને પ્રદુષિત થતું અટકાવવાની જવાબદારી તંત્ર સાથે લોકોની સ્વયં હોય છે ત્યારે આજે સોમનાથના સમુદ્ર કિનારે સફાઈ અભિયાન આવકારદાયક છે.સમુદ્ર કિનારે લોકોએ કચરો નાખવાથી બચવું જોઈએ કેમ કે કચરો કોક નાખે અને સફાઈ કોક કરે તે વ્યાજબી ન કહેવાય. દરીયાકિનારે કચરો કરવાથી સમુદ્રી જીવોને મોટું નુકસાન પહોચે છે. સફાઈ અભિયાનમાં જોડાયેલા ૩૦૦ લોકોએ મોટી માત્રામાં કચરો એકઠો કરી સ્વચ્છ બનાવી દીધો હતો અને ૧,૪૫૦ કિલો પ્લાસ્ટીક સહિતના કચરાનો નાશ કરાયો હતો.(તસ્વીર-અહેવાલ : દિપક કક્કડ (વેરાવળ), દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(11:51 am IST)