Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

જુનાગઢમાં સ્વ.નારસિંહભાઇ પઢીયારના પૌત્ર ડો.મિલાપસિંહની અંતિમયાત્રામાં અશ્રૃનો દરીયો વહ્યો

નાનાબેન લેખાબેન પઢીયારે અગ્નિદાહ આપ્યોઃ ધારાસભ્યો, સાંસદ, મેયર સહીતના આગેવાનોની ઉપસ્થિતી

જુનાગઢઃ ઉપરોકત તસ્વીરમાં ફિલીપાઇન્સ ખાતે એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સાથે મિલાપસિંહે તેના દાદાની વાતો કરી હતી તેમજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને યોગીભાઇ પઢીયાર પરિવારની ફાઇલ તસ્વીર તેમજ અંતિમયાત્રામાં ભાઇને વિદાય આપવા જઇ રહેલી બેન લેખા તેમજ અંતિમયાત્રામાં જોડાયેલા આગેવાનો અને છેલ્લે અંતિમવિધિ કરતા યોગીભાઇ પઢીયાર પરિવાર સાથે પુત્રી લેખા અગ્નિદાહ આપી રહી છે. તેમજ પ્રાર્થનાસભામાં શ્રધ્ધાંજલી આપતા મેયર ધારાસભ્ય સાંસદ તથા પુ.ઇન્દ્રભારતીબાપુ નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ર૦: જુનાગઢ ભાજપના પ્રદેશ અગ્રણી સ્વ.નારસિંહ પઢીયારના પૌત્ર અને યોગેન્દ્રસિંહ (યોગીભાઇ)ના પુત્ર તથા મહેન્દ્રસિંહ અને નરેન્દ્રસિંહના ભત્રીજા તેમજ જય પઢીયારના પિતરાઇભાઇ અને સુરેન્દ્રનગરના વાઘુભા મોરીના ભાણેજ ડો.મિલાપસિંહ યોગેન્દ્રસિંહ પઢીયાર (ઉ.વ.રર)નું તા.૧૮ના રોજ રાજસ્થાન બોર્ડર પાસે ઉદયપુરથી ૭૦ કિ.મી. ચાર ધામની યાત્રાએ જતા હતા. દરમ્યાન તેમની કારને ર્સ્કોપીયોએ ટક્કર મારતા મિલાપસિંહનું અકસ્માતમાં મૃત્યુ નિપજેલ.

મિલાપસિંહ પઢીયાર ફિલીપાઇન્સ ખાતે એમબીબીએસની ડીગ્રી મેળવી અને અમદાવાદ બીજે મેડીકલ કોલેજમાં ઇન્ટરશીપ પીરીયડમાં જોડાયા હતા. ઉતરાખંડમાં ચારધામની યાત્રા શરૂ થતા ડો.મિલાપસિંહ યોગેન્દ્રસિંહ પઢીયાર અને તેમના ત્રણ  મિત્રો પોલોહોકસ વેગન કાર લઇ તા.૧૭ના રોજ ચારધામ યાત્રા પર જવા નિકળ્યા હતા અને રાજસ્થાન બોર્ડર પાર કરી ઉદેપુરથી ૭૦ કિ.મી. આગળ ગયા ત્યાં ધડાકાભેર પાછળથી ર્સ્કોપીયો ગાડી અથડાઇ હતી.

આ અકસ્માતમાં મિલાપસિંહને માથામાં સામાન્ય ઇજા હતી. જયારે તેના  ત્રણ મિત્રોને શરીર પર ઉજરડા થયા હતા. ઇશ્વરે તેમને બચાવી લીધા તેવી લાગણી સાથે પ્રવાસ આગળ ધપાવે ત્યાં જ ડો.મિલાપસિંહને ઉલ્ટીઓ શરૂ થતા તાકીદની સારવાર મળે તે પહેલા જ આશાસ્પદ તબીબે પ્રાણ છોડી દેતા તેની સાથે રહેલા મિત્રો ભાંગી પડયા હતા. અભ્યાસમાં તેજસ્વી એવા અને મીલનસાર સ્વભાવના મિલાપસિંહની અણધારી વિદાયથી તેની સાથે અભ્યાસ કરતા તબીબી છાત્રો ચોધાર આંસુ સાથે રડી પડયા હતા અને પઢીયાર પરિવાર પર પણ આભ ફાટયંુ હતું.

ગઇકાલે સવારે મોતીબાગ પાસે આવેલ યોગીભાઇ પઢીયારનું નિવાસસ્થાન પ્રભુ પ્રસાદ એપાર્ટમેન્ટ ખાતેથી સદગતની સ્મશાન યાત્રા નિકળી હતી. જેમાં જુનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ ધારાસભ્ય ભીખાભાઇ જોશી સાંસદ રાજેશભાઇ ચુડાસમા પુર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ ડે. મેયર હિમાન્સુ પંડયા શહેર ભાજપના પ્રમુખ પુનીતભાઇ શર્મા, પુર્વ પ્રમુખ સંજય કોરડીયા, નિલેશ ધુલેશીયા, કૃષ્ણકાંત રૂપારેલીયા પ્રદીપભાઇ ખીમાણી નિર્ભય પુરોહીત અશોક ભટ્ટ નિર્ભય પુરોહીત તેમજ ભરત ગાજીપરા અને સાધુ સંતોમાં પુ. ઇન્દ્રભારતી બાપુ ચાંપરડાના સંત પુ. મુકતાનંદ બાપુના પ્રતિનિધિ સદાનંદ બાપુ સહીત વિવિધ ક્ષેત્રના સામાજીક આગેવાનો જોડાયા હતા અને પઢીયાર પરીવારને સાંત્વના આપી હતી.

યોગીભાઇ પઢીયાર પરીવારમાં તેમને એક દિકરો એક દિકરી હતા જેમાં મોટો દિકરો મિલાપસિંહ (ઉ.વ.રર)નું અવસાન થતા તેની અંતિમ યાત્રામાં જોડાય નાની બહેન લેખાએ મોટાભાઇના શરીરને અગ્નિદાહ આપેલ સાથે કાકાનો દિકરાએ પણ અગ્નિદાહ આપ્યો હતો. ક્રાંતીકારી વિચારવાળી આ દિકરી વ્હાલાભાઇને છેક સ્મશાન સુધી વળાવી અને અગ્નિદાહ આપી અને ભાઇ-બહેનના અતુટ પ્રેમનો મહિમા ઉજાગર કર્યો હતો.

સદગત મિલાપસિંહની તા.ર૦ને સોમવાર આજે સાંજે ૪ થી ૬ શ્રી સ્વામીનારાયણ અક્ષર મંદિર ટીંબાવાડી ખાતે પ્રાર્થનાસભા રાખેલ છે.

(11:57 am IST)