Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને ૯ શખ્સો વાહનોમાં આવ્યા અને તૂટી પડયા

મધરાત્રે વિસાવદરમાં યુવાનની હત્યાની કોશિષ- વાહનો અને મકાનમાં ઘુસીને તોડફોડઃ શખ્સોનાં આતંકથી વિસાવદરમાં રોષઃ પોલીસ બંદોબસ્ત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૦ : મધરાતે વિસાવદરમાં જુના મનદુઃખથી તલવાર વડે હુમલો કરી યુવાનની હત્યાની કોશીષ કરતા સનસનાટી મચી ગઇ હતી.

તેમજ આ શખ્સોએ આતંક મચાવી વાહનો અને મકાનમાં ઘુસીને તોડફોડ મચાવીને આતંક મચાવતા સમગ્ર વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે વિસાવદરના ગંજીવાડા વિસ્તારમાં રહેતા ખેતી અને વ્યવસાય કરતા રાજેશભાઇ ધીરૂભાઇ રીબડીયા પટેલ (ઉ.વ.૪પ) નામના યુવાનના ભત્રીજા રાજન સાથે થોડા સમય અગાઉ નાશીર રહીમ    મેતર નામની શખ્સને ઝઘડો થયો હતો.

દરમિયાન ગત રાત્રીના ૧ર વાગ્યાના અરસામાં રાજેશભાઇ તેમજ તેમના મિત્ર હાર્દિક હરખાણી અને ભત્રીજો રાજન પોતાના ઘરે જતા હતા.

ત્યારે અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી નાસીર રહીમ, ઇમ્તીયાઝ ઉર્ફે પોપટ, જાવિદ, કપિલ દુલાભાઇ દાફડા, ટોની જુનાગઢ વાળ,ો ભુરો યુનુસુ નાઝીર અને ઓસમાણ રીઝવાન ઉર્ફે ભુરો વલી અને અફઝલ ઇમ્તીયાઝ બ્લોચ સહિતના  ૯ શખ્સો મેઇન બજારમાં રામજીમંદિર પાસે જુદા જુદા  વાહનોમાં ઘસી આવ્યા હતા.

બાદમાં આ શખ્સો રાજેશ રીબડીયા વગેરેએ આતંરી તેના ઉપર ઇમ્તીયાઝ નામના શખ્સે તલવાર વડે હુમલો  કરતા રાજેશભાઇ લોહી લોહાણ  થઇગયા હતા.

આ તમામ હુમલાખોરો શખ્સો રાજન અને હાર્દિક હરખાણીના ઘરે પહોંચ્યા હતા. જયાં મકાન બહાર પડેલ બે કાર અને મોટર સાયકલમાં તિક્ષ્ણ હથિયારોના ઘા મારી નુકસાન પહોંચાડયુ હતુ.

તેમજ હાર્દિક હરખાણીના ઘરમાં ઘુસી જઇને તોડફોડ મચાવી અને તેના પર  તલવારથી હુમલો કરીને આ શખ્સો નાસી ગયા હતા.

આ બનાવથી સમગ્ર વિસાવદર શહેરમાં અંજપા ભરી સ્થિતિ થઇ ગઇ હતી.

આ અંગે આજે વહેલી સવારે પોલીસે રાજેશ રીબડીયાની ફરિયાદ લઇ નાસીર રહીમ વગેરે શખ્સો સામે કલમ ૩૦૭, તેમજ રાયોટીંગ વગેરેનો ગુનો નોંધી ધોરણસરની  કાર્યવાહી કરી હતી.

બનાવના પગલે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પી.આઇ. એન.આર.પટેલ વગેરે દોડી ગયા હતા.

દરમિયાન આજે સવારે આગેવાન સહિતના લોકોએ પોલીસ સ્ટેશન પર દોડી જઇ ઉગ્ર રજુઆત કરી હતી. બનાવના પગલે વિસાવદરમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

(3:09 pm IST)