Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

મુન્દ્રાના ૨૧ હજાર કરોડના હેરોઈન પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા કાબુલના શહેનશાહ ઝહીરની એનઆઈએ દ્વારા ધરપકડ: પહેલા કરોડોનું ડ્રગ્સ ઘુસાડી દીધું હોવાનો ધડાકો

કાબુલમાં રહેતા ડ્રગ્સ માફિયા શહેનશાહે ઝહીર ભારતમાં ૫ કનસાઈન્ટમેન્ટ દ્વારા કરોડોનું ડ્રગ્સ ઘુસાડ્યું? મુન્દ્રા સિવાય અન્ય બંદરોનો ઉપયોગ? આતંકવાદી સાંઠગાંઠ? અનેક સવાલો

(ભુજ) દેશના યુવાધનને કેફી દ્રવ્યોના રવાડે ચડાવી દેશને બરબાદ કરવાનું પ્રોક્ષી યુદ્ધ ચલાવનાર દુશ્મન દેશના ઈરાદાઓ નાકામ કરવા ભારતીય એજન્સીઓ મથી રહી છે. પરિણામે, કચ્છના મુન્દ્રા બંદરેથી ઝડપાયેલ ૨૧ હજાર કરોડના હેરોઈન પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સુધી એનઆઈએ પહોંચી છે. આ કેસમાં કાબુલ અફઘાનિસ્તાનના રહેવાસી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા ઝહિર શહેનશાહ ની ધરપકડ કરાઈ છે. જોકે, ટેરર ફંડીંગ સાથે શહેનશાહ જોડાયેલો હોવાની આશંકા હોઈ એનઆઈએ આ આખાયે મામલે આતંકવાદી ગતિવિધિ પણ તપાસી રહી છે. અન્ય માહિતી મુજબ ૨૦૨૦ અને ૨૦૨૧ માં દેશમાં બંદરો મારફતે ૫ જેટલા કંસાઈન્ટમેન્ટ દ્વારા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘુસાડી દેવાયું છે. આમાં મુન્દ્રા બંદર સિવાય અન્ય બંદરોનો પણ ઉપયોગ થયો છે કે કેમ? એ વિશે શહેનશાહ ની તપાસ બાદ વધુ ખુલાસા થઈ શકે છે. દરમ્યાન ડ્રગ્સ રેકેટમાં દિલ્હી, પંજાબ માં રહેતા અફઘાની નાગરિકો ઉપરાંત આપણા દેશમાં સંકળાયેલા ગુનેગારો સહિત મદદગારી કરનાર દરેક સામે દેશદ્રોહ જેવા ગંભીર કાયદા હેઠળ કામ ચલાવી તેમની સંપત્તિ જપ્ત કરવા જેવા આકરા પગલાં ભરાવા જોઈએ. ડ્રગ્સ ની ચુંગાલમાં દેશને બરબાદ કરનાર ગુનેગારો રૂપિયાની લાલચમાં આતંકવાદી ગતિવિધિ સાથે સંકળાયેલા ડ્રગ્સ માફિયાઓ ની જાળમાં ફસાઈને રાષ્ટ્ર દ્રોહ જેવો ગંભીર અપરાધ કરી રહ્યા છે.

(9:50 am IST)