Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

કચ્છના આદિપુરમાં ખાતમુહુર્ત વખતે લોકોએ ધારાસભ્યને ઘેરી હોબાળો મચાવ્યો: લોકોના પ્રશ્નો ન ઉકેલાતાં આક્રોશ

અંતે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પગપાળા સમસ્યા જોવા ગયા,વિકાસની વાતો વચ્ચે શહેરમાં ખાડા, ગંદકી, ગટરનો રોજિંદો ત્રાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦

 ડબલ એન્જિન સરકારની વિકાસની વાતો અને જાહેરાતો વચ્ચે શહેરમાં પાલિકાના શાસનમાં લોકો માટે રસ્તા ઉપરના ખાડા, ગંદકી અને રહેણાક વિસ્તારોમાં ગટર અને સફાઈનો અભાવ એ રોજિંદી સમસ્યા છે. પરિણામે રોજિંદી સમસ્યાઓથી કંટાળેલા લોકોનો રોષ હવે પદાધિકારીઓ ઉપર નીકળી રહ્યો છે. ગાંધીધામ આદિપુર બન્ને જોડીયા શહેરોની નગરપાલિકા સામે અનેકવિધ ફરિયાદો છે. ખુદ શાસક પક્ષના નગરસેવકો પણ વારંવાર ફરિયાદો કરી ચૂક્યા છે. પરંતુ લોકોની ફરિયાદોનો નિકાલ ન થતાં આ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મ્હેશ્વરીના કાર્યક્રમમાં લોકોએ હોબાળો મચાવી ઘેરાવ કર્યો હતો. આદિપુર વોર્ડ નં.૧ માં ૪૦ લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાના ખાત મુહુર્ત સમયે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટિલવાણીએ રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ જણાવી વાહ વાહ કરી ત્યારે લોકોએ હોબાળો મચાવી પોતાના વોર્ડની સમસ્યાઓ જણાવી હતી. તો, અમુક લોકોએ કાળા વાવટા બતાવી પોતાનો આક્રોશ વ્યક્ત કરી ધારાસભ્ય અને પાલિકા પ્રમુખને સમસ્યાઓનો જાત અનુભવ કરવા કહ્યું હતું. સતત લોકોનો આક્રોશ વ્યક્ત થતાં અંતે ધારાસભ્ય ઉભરાતી ગટરો અને ખાડા વાળા રસ્તા ઉપર ચાલતા ગયા અને લોકોની સમસ્યાઓ ઉકેલવા ખાતરી આપી હતી. જોકે, ડબલ એન્જિન સરકાર દ્વારા શહેરની પાલિકા માટે દર વર્ષે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પણ ગ્રાન્ટ ના રૂપિયા ક્યાં જાય છે? શા માટે નબળા કામ થાય છે? એવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. જે હવે આક્રોશ સ્વરૂપે બહાર આવી રહ્યા છે.

(9:55 am IST)