Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

વાંકાનેર-તાલુકા મધ્‍યાહન ભોજન યોજનાના સંચાલકોને ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમમાં જતા અટકાવ્‍યા

સંચાલક ભાઇઓ-બહેનોને તંત્ર દ્વારા ૧૧ કલાક સુધી નજરકેદ રખાયા : સંચાલકોમાં ભારે કચવાટ

(લિતેશ ચંદારણા દ્વારા) વાંકાનેર,તા. ૨૦ : વાંકાનેર તથા તાલુકાના મધ્‍યાહન ભોજન યોજનાના સંચાલકો દ્વારા પડતર માંગણી ન ઉકેલાય તો તા. ૧૯ના રોજ ગાંધીનગર ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાશે તેમ વાંકાનેર તાલુકા મધ્‍યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા આવેદનપત્રમાં જણાવેલ હતું.

તેના અનુસંધાને તા. ૧૮ને રવિવારે રાત્રે ૧૧ કલાકે વાંકાનેર તથા તાલુકાના મ.ભો. કર્મચારી ભાઇઓ-બહેનો જેમાં ૨૬ ભાઇઓ તથા ૧૬ બહેનો કર્મચારી સંચાલકો કુલ ૪૨ લોકો રવિવારની રાત્રે બસ મારફતે ગાંધીનગર જવા રવાના થતા જ શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે પહોંચતા જ વાંકાનેર પી.આઇ. ્‌દ્વારા તમામ સંચાલકોને પોલીસે આવી લકઝરી બસ સહીત બધા જ સંચાલકો તેમાં પ્રમુખ કે.કે.ઝાલા, વિપુલભાઇ કોટક, કિશોરભાઇ ગોસ્‍વામી, કિશોરસિંહ ઝાલા ઉપરાંત મહીલા સંચાલકોમાં રેખાબેન સોલંકી, ઉષાબેન પરમાર, રેખાબેન જામાવત તથા મયુરીબેન આચાર્ય સહિત તમામ ૪૨ કર્મચારીને રાત્રીના ૧૧ થી સવારના ૧૦ વાગ્‍યા સુધી નજરકેદ રાખવામાં આવ્‍યા હતા.

મહીલાઓ સાથે હોવા છતા ૧૧-૧૧ કલાક પોલીસ સ્‍ટેશને બેસાડી રાખતા કર્મચારી ગણમાં ભારે કચવાટ ફેલાયો હતો અને આગળ શું કાર્યવાહી  થાય છે તે જોવાનું રહ્યુ કે સંચાલકોની માંગણી સ્‍વીકારાય છે કે પછી નવા કાર્યક્રમો ઘડી કઢાશે ? તે આવનારો સમય કહેશે.

(10:54 am IST)