Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

બાંટવાના રૂા. ૨૨.૯૪ લાખનાં દારૂ પ્રકરણમાં પીએસઆઇ ચાવડા, જમાદાર સોલા સસ્‍પેન્‍ડ

ફરજમાં બેદરકારી દાખવવા સબબ ડીજીપીની સુચનાથી એસ.પી. દ્વારા કાર્યવાહી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૦ : બાંટવાના રૂા. ૨૨.૯૪ લાખના દારૂ પ્રકરણમાં પી.એસ.આઇ ચાવડા અને જમાદાર સોલાને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હોવાનું જાણવા મળેલ છે.

 ગત તા. ૧૯ની રાત્રે સ્‍ટેટ મોનીટરીંગ સેલના કાફલાએ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવા પાસેના બાંટવા ખારોડેમ નજીક નિર્જળથી જગ્‍યાએ બાતમીના આધારે દરોડો પાડીને બે વાહનમાંથી રૂા. ૨૨.૯૪ લાખની કિંમતનો દારૂ તેમજ બિયરનો જથ્‍થો કબ્‍જે કર્યો હતો.

આ કાર્યવાહી દરમ્‍યાન દારૂનું કટીંગ કરી રહેલા શખ્‍સો નાસી ગયો હતો જો કે પોલીસે દારૂ-બિયર અને વાહનો સહિત કુલ રૂા. ૩૪.૯૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

આ બારામાં સ્‍ટેટ મોનીટરીંગ સેલે કુલ સાત શખ્‍સો વિરૂધ્‍ધ બાંટવા પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો જેની તપાસ જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ.આઇ. ભાટીને સોંપવામાં આવી હતી.

દરમ્‍યાન આ પ્રકરણમાં બાંટવાના પી.એસ.આઇ વી.આર.ચાવડા અને બીટ જમાદાર નિલેશભાઇ સોલાની ફરજમાં બેદરકારી જણાતા બંનેને એસ.પી.રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા હોવાનું જાણવા મળેલ છે.

ડીજીપી આશિષ ભાટીયાની સુચનાથી જૂનાગઢ એસપી રવિ તેજા, વાસમ શેટ્ટીએ પીએસઆઇ ચાવડા અને પોલીસ જમાદાર સોલાને સસ્‍પેન્‍ડ કરવાનો હુકમ જારી કરતાં પોલીસે બેડામાં હલચલ મચી ગઇ છે.

આ દારૂ પ્રકરણમાં અન્‍ય કોઇ દોષિત છે કે કેમ તે અંગે હજુ તપાસ ચાલી રહી છે અને તપાસમાં કોઇ કસુરવાર જણાશે તો તેની સામે પણ કડક પગલા લેવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે.

(2:35 pm IST)