Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સરકારના ઓપીડી સમય વધારતા પરિપત્રનો વિરોધ

પરિપત્ર રદ કરવા માંગણી કરતા રાજય ફાર્માસિસ્‍ટ મંડળ : કર્મચારીના મૂળભૂત બંધારણીય હકકનો ભંગ

(કિશોરભાઈ દેવાણી, કમલેશ જોશી દ્વારા) કેશોદ, તા. ર૦ : ગઈ તારીખ ૧૬ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ ના રોજ કમિશનરશ્રી આરોગ્‍ય વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્‍યના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલ અને જિલ્લા કક્ષાની હોસ્‍પિટલો ખાતે સાંજની ઓપીડીનો સમય ગેર બંધારણીય રીતે લેબર એક્‍ટની જોગવાઈઓનો ખુલ્લેઆમ ભંગ કરતો પરિપત્ર બહાર પાડવામાં આવેલ હતો. જે અનુસંધાને સાંજની ઓપીડીનો સમય  જે ચાર થી છ હતો તેના બદલે વધારી ચાર થી આઠ કરવામાં આવેલો છે. એટલે કે હવે આરોગ્‍ય કર્મચારીઓએ સવારની ઓપીડી ૯ થી ૧ અને સાંજે ચાર થી આઠ સુધી ફરજ બજાવવાની રહેશે. આમ દિવસની કુલ ૧૧ કલાક ફરજ બજાવવા માટેનો અમાંનવીય પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. સાથે સાથે રવિવારે પણ સવારે ૯ થી ૧ ઓપીડી ચાલુ રાખવાની તેવી ફરજ પણ પાડવામાં આવી રહી છે.

    અત્‍યાર સુધી જે ઓપીડીનો સમય હતો તે સવારે ૯ થી ૧ અને ૪ થી ૬ અને શનિવારે બપોર બાદ ઓપીડી બંધ રહેતી હતી અને રવિવારની અઠવાડિક રજા આરોગ્‍ય કર્મચારીઓને મળતી હતી. હવે, આ તારીખ ૧૬-૦૯-૨૦૨૨ ના પરિપત્ર મુજબ આરોગ્‍ય કર્મચારીને કોઈ અઠવાડિક રજાનો લાભ પણ મળશે નહીં કે આ વધારાના કલાકો ફરજ બજાવવા માટે કોઈ ઓવર ટાઈમનું વળતર કે કોઈ વળતર રજા અંગે પણ આ પરિપત્રથી સ્‍પષ્ટતા કરવામાં આવેલી ન હોય રાજ્‍યની આરોગ્‍યની હોસ્‍પિટલોમાં ફરજ બજાવતા ફાર્માસિસ્‍ટ, લેબોરેટરી ટેક્રિશિયન, એક્‍સરે ટેકનિશિયન, ફિઝિયો, ઓફ્‌થાલ્‍મીક આસિસ્‍ટન્‍ટ વગેરે કેડર દ્વારા સાથે મળી આજરોજ કમિશનર કચેરી, ગાંધીનગર ખાતે એકત્રિત થઈ આ પરિપત્રનો બહિષ્‍કાર કરવા રજૂઆત કરેલી છે. તેમજ આ પરિપત્ર પરત ખેંચવા પણ વિનંતી કરેલી છે જનતાને સેવાનો લાભ વધારે મળે તેવી સરકારની ઈચ્‍છા હોય તો -  પહેલા તેના માટે જરૂરી મહેકમ જે હાલ ખાલી છે તે ભરવું જરૂરી છે સાથે સાથે જ્‍યારે સેવાઓનો વ્‍યાપ સરકાર વધારવા ઇચ્‍છતી હોય તો નવી જગ્‍યાઓ પણ ઉભી કરવી જરૂરી છે માત્ર આવા તઘલઘી નિર્ણયોથી કર્મચારીઓને માનસિક, સામાજિક અને આર્થિક ત્રાસ અને શોષણ સિવાય બીજું કંઈ જ નથી. જે માનવું જ પડે જેથી આરોગ્‍ય કર્મચારીઓની કમિશનરશ્રીની કચેરી અને સરકારને નમ્ર અપીલ છે કે આ પરિપત્રને સત્‍વરે રદ કરે અથવા તો આ પરિપત્રમાં જે ગેર બંધારણીય ઉલ્લેખો થયા છે તે બાબતે ન્‍યાયિક બંધારણીય નિરાકરણ લાવતો પરિપત્ર બહાર પાડે તેવું ગુજરાત રાજ્‍ય ફાર્માસિસ્‍ટ મંડળના મીડિયા કન્‍વીનર અને ધ ફેડરેશન ઓફ ગવર્મેન્‍ટ ફાર્માસિસ્‍ટ ગુજરાતના ઉપપ્રમુખ દિપેનભાઈ અટારાએ તેમની યાદીમાં જણાવેલ છે. 

(1:21 pm IST)