Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જૂનાગઢ જય અંબે હોસ્‍પિટલની મુલાકાત લેતા ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયા

જૂનાગઢ : ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાલયમાં આવેલ  દાદા નિવાસ્‍થાને સન્‍માનિય બેઠકમાં પધારેલ વિસાવદર  ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયા, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, નાની મોણપરી, હરીપુર, લીમધ્રા, જૂની ચાવંડ, તથા ઢેબરના પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓએ પૂ. મુક્‍તાનંદબાપુના આશીર્વાદ મેળવેલ. બાદ પૂજ્‍ય બાપુએ તમામને શાલ ઓઢાડી, મીઠા મોઢા કરાવી સન્‍માનિત કરેલ. ત્‍યારબાદ પૂ. બાપુએ સમાજલક્ષી વિચારો રજૂ કરી આશીર્વાદ સાથે સૌ નવ યુવાનોને સેવાના કાર્યો કરવા નમ્ર અનુરોધ  કરેલ. ત્‍યારબાદ આ સન્‍માનિય બેઠકમાં ઉપસ્‍થિત તમામે ચાપરડા જય અંબે હોસ્‍પિટલની મુલાકાત લીધેલ. હોસ્‍પિટલ વિભાગના એડમિનિસ્‍ટ્રેટ સંજયભાઈ વઘાસિયા તથા ટેકનિકલ સ્‍ટાફ ના ઉત્‍સાહી રાહુલ વિકમા એ સમગ્ર ટીમને હોસ્‍પિટલના તમામ વોર્ડ, આધુનિક ટેકનોલોજીયુક્‍ત મશીનરી, ઓપરેશન થિયેટર, ડેન્‍ટિસ્‍ટ વિભાગ, ઓર્થોપેડિક, આંખ વિભાગ, ઈમરજન્‍સી સારવાર, સીટી સ્‍કેન મશીન, ડાયાલિસિસ મશીન, બ્‍લડ, યુરીન રિપોર્ટનું ઓટો મશીન, ઓપરેશન થિયેટર, આઇ.સી. યુ.વિભાગ તેમજ બીજા તમામ વોર્ડનું નિદર્શન કરાવેલ. જય અંબે હોસ્‍પિટલમાં સારવાર લેનાર દર્દીઓની ફૂલ બોડી ચેકઅપના તમામ રિપોર્ટો બિલકુલ રાહત દરે સાથોસાથ નિઃશુલ્‍ક ભોજન વ્‍યવસ્‍થા. તેમજ તાલુકા અને દૂર દૂરથી આવતા દર્દીઓની સુખાકારી માટે તમામ પ્રકારની સુવિધાયુક્‍ત જય અંબે હોસ્‍પિટલમાં તમામ વિભાગના ડોક્‍ટર્સ તથા સ્‍ટાફ ખડે પગે સેવા સાથે જોડાયેલા છે. આ ઉપરાંત ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાલયમાં અનેકવિધ સંસ્‍થાઓ કાર્યરત છે. જેમ કે વળદ્ધાશ્રમ, શિક્ષણ ક્ષેત્રે જબ્‍બર હરણફાળ (કે.જી.થી ડીગ્રી કોર્સ સુધી), સ્‍પોર્ટ્‍સ, ર્નસિંગ કોર્સ, આનંદધારા પ્રોજેક્‍ટ હમણાં ટૂંક સમયમાં સાકાર લઈ રહેલ પશુ હોસ્‍પિટલ. આ ઉપરાંત જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાઓમાં જંગલમાં વસતા માલધારીઓના બાળકો માટે શિક્ષણ માટેની (શેડ, ઓટો  પાણીનો ટાંકો) જરૂર જણાય ત્‍યાં શિક્ષકની વ્‍યવસ્‍થા. આ વિશાળ ફલક ઉપર પૂ. મુક્‍તાનંદબાપુ, શિક્ષણવિદ્‌ ગિજુભાઈ ભરાડ, આનંદધારા પ્રોજેક્‍ટના નિયામક ડો. નલિન પંડિત , કેમ્‍પસ ડાયરેક્‍ટર અર્જુનસિંહ રાઠોડના સમન્‍વય વિચારો સાથે કોઈપણ હેતુલક્ષી પ્રોજેક્‍ટને આખરી ઓપ આપવામાં આવે છે. સંસ્‍થાના તમામ વિભાગોમાં સ્‍ટાફ સતત પ્રયત્‍નશીલ છે.અંતમાં બેઠકમાં ઉપસ્‍થિત તમામનું સંસ્‍થાના એડમિનિસ્‍ટ્રેટ કમલેશભાઈ ધાધલ, સંજયભાઈ વઘાસિયા તથા રાહુલભાઇ વિકમાએ સંસ્‍થા વતી આભાર વ્‍યક્‍ત કરેલ.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(1:26 pm IST)