Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

કેશોદના જલારામ પાર્ટી પ્‍લોટમાં નવા રૂમોનું બાંધકામ ઝડપથી શરૂ થયું

કેશોદ રઘુવંશી સમાજને માત્ર ૧૧ હજારના ભાડામાં તમામ સુવિધા સાથેનો પાર્ટી પ્‍લોટ મળશે

 (દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨૦ : કેશોદથી ૩ કિલોમીટર દૂર જૂનાગઢ રોડ ઉપર આવેલા લોહાણા જ્ઞાતિના જલારામ પાર્ટી પ્‍લોટમાં નવા રૂમોનું બાધકામ ઝડપથી શરૂ કરવામાં આવ્‍યું છે. આ બાંધકામ પુરૂ થતા સૌરાષ્‍ટ્રના રઘુવંશી સમાજનો હાઇવે ઉપરનો નંબર વન પાર્ટી પ્‍લોટ બની જશે તેમાં કોઇ શંકા નથી.
સ્‍થાનિક કેશોદ લોહાણા મહાજન ટ્રસ્‍ટી મંડળના પ્રમુખશ્રી ગોવિંદભાઇ દેવાણીના જણાવ્‍યા મુજબ ત્રણ વરસ પહેલા તૈયાર થયેલા હાઇવે ઉપરના અને આજની બજાર કિંમત મુજબ આશરે રૂા. ૩ કરોડની કિંમત ધરાવતા આ પાર્ટી પ્‍લોટમાં કેશોદ લોહાણા સમાજના ઘણા અલગ -અલગ પરિવારોએ પ્રસંગો ઉજવ્‍યા છે. તેમ છતાં આવા કોઇ પ્રસંગે હજુ વધારાના રૂમોથી ઘટ રહેતી હતી. આથી આ રૂમોની ઘટ પુરી કરી સમાજના લોકોને જરૂરી સગવડતા પુરી કરવાનો ટ્રસ્‍ટી મંડળે નિર્ણય લીધો હતો.
આ પાર્ટી પ્‍લોટ કેશોદ લોહાણા સમાજનો છે અને તેમાં સમાજના નાનામાં નાના માણસે પણ અનુદાન આપ્‍યુ છે. તેવો અહેસાસ કરાવવા માટે જરૂરી એવા બે રૂમો બનાવવા થનારા ખર્ચની રકમ કોઇ એક જ દાતા પાસેથી લેવાને બદલે નાના-નાના દાતાઓ પાસેથી લેવાનું નક્કી કર્યું હતું અને તેના ભાગરૂપે જરૂરી રકમ મેળવવા માટે એક સ્‍કીમ નક્કી કરવામાં આવી હતી. આ સ્‍કીમ મુજબ લોહાણા જ્ઞાતિની જે વ્‍યકિત અત્‍યારે અગિાર હજાર રૂપિયા આપે તેને તાફ ૩૧-૩-૨૪ સુધીમાં જ્‍યારે ખાલી હોય ત્‍યારે વહેલા તે પહેલાના ધોરણે એક દિવસ માટે આ રકમ આપનાર દાતા અથવા તેના પ્રતિનિધિને વિનામૂલ્‍યે વાપરવા માટે આપવામાં આવશે. બીજા શબ્‍દોમાં કહીએ તો આગામી તા. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં લોહાણા જ્ઞાતિના કોઇ પણ પરિવાર માટે આવનારા શુભપ્રસંગ માટે અત્‍યારથી જ એક દિવસ માટે આ પાર્ટી પ્‍લોટ બુક કરાવવાની વાત હતી.
લોહાણા સમાજે મુકેલી ઉપરોકત સ્‍કીમનો સારા પ્રમાણમાં આવકાર મળ્‍યો હતો અને ઘણા પરિવારોએ આ સ્‍કીમ હેઠળ -૧૧-૧૧ હજાર રૂપિયા આપતા આ જરૂરી રૂમો બનાવવા માટેની રકમ એકઠી થઇ ગઇ હતી.આ રકમ મળી ગયા બાદ તે જરૂરી રૂમોનું બાંધકામ પાર્ટીપ્‍લોટમાં ઉપરના ભાગે અત્‍યારે ઝડપથી શરૂ થઇ ગયેલુ છે અને બહુ નજીકના દિવસોમાં આ બાંધકામ પુરૂ થતા કેશોદ લોહાણા સમાજના આ પાર્ટીપ્‍લોટમાં જરૂરી એવી તમામ સગવડતાઓ પુરી થશે. એ સાથોસાથ રોજના પચાસ હજારથી એક લાખ સુધીમાં ભાડે મળતા પાર્ટી પ્‍લોટની જગ્‍યાએ કેશોદ લોહાણા સમાજને માત્ર અગિયાર હજારરૂા.માં પાર્ટી પ્‍લોટની તમામ સગવડતા મળવાની શરૂઆત થઇ જશે.

 

(10:05 am IST)