Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

જામજોધપુરના તરસાઇમાં ખૂંખાર મગરે પગ પકડીને યુવકને ખેંચતા પાણીમાં ડુબી જવાથી મૃત્‍યુ

જામજોધપુર તા.ર૦ : જામજોધપુર તાલુકાના તરસાઇ ગામમાં રહેતો અને મજુરી કામ કરતો કનુભાઇ જીવાભાઇ વાઢીયા નામનો ૪૩  વર્ષનો શ્રમિક યુવાન આજે સવારે સાડા આઠેક વાગ્‍યાના અરસામાં તરસાઇ ગામમાં આવેલી નદીના કાંઠે કુદરતી હાજતે ગયો હતો. જે દરમિયાન નદીમાંથી પાણી ભરવા જતા અંદર મગરે તેનો પગ પકડી લીધો હતો અને કરડી ખાધો હતો તેમજ નદીના પાણીમાં ખેંચવાનો પ્રયત્‍ન કર્યો હતો. આ સમયે કનુભાઇએ બુમાબુમ કરીહતીઅને ધમપછાડા કર્યા હોવાથી મગરની ચુંગાલમાંથી છુટી ગયો હતો અને મગર પાણીમાં ચાલ્‍યો ગયો હતો. પરંતુ કનુભાઇને તરતા આવડતુ ન હોવાના કારણે પાણીમાં ડુબી ગયો હતો.
આ બનાવ સમયે બુમાબુમ કરતા આસપાસના લોકોને એકત્ર કરાયા હતા, ઉપરાંત જામજોધપુર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેથી જામજોધપુરની પોલીસ ટુકડી ઘટના સ્‍થળે દોડી આવી હતી અને કનુભાઇને પાણીમાંથીબહાર કાઢી જામજોધપુરની સરકારી હોસ્‍પિટલમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં લઇ જવાયો હતો. જયાં ફરજ પરનાં તબીબે તેને ઇજાના કારણે તેમજ ડુબી જવાના કારણે મૃત્‍યુ નીપજયુ હોવાનું જાહેર કર્યુ હતુ.
આ બનાવ અંગે પોલીસે મૃતક કનુભાઇના પુત્ર રાજુભાઇ કનુભાઇ વાઢીયાની જાહેરાતના અનુસંધાને મૃતદેહનો કબ્‍જો સંભાળી પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે અને સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઇને તરસાઇ ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.તેમજ એક થી વધુ મગર નદીમાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્‍યું છે.

 

(11:04 am IST)