Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

સુત્રાપાડામાં કારડીયા રાજપૂત સમાજ દ્વારા આગિયારમો સમૂહ લગ્નોત્‍સવ યોજાશે

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા તા. ૨૦ : કારડીયા રાજપૂત સમાજ, સુત્રાપાડા મુકામે આગિયારમાં સમૂહ લગ્નના આયોજન સમિતિની એક બેઠક અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ મંત્રી જશાભાઈ બારડના અધ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવી હતી. જેમાં સમૂહ લગ્ન સમિતિના તમામ સભ્‍યો અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા કોવિડ-૧૯ ને કારણે ગતવર્ષે આ સમૂહ લગ્નનું આયોજન સરકારના નિયમ મુજબ બંધ રાખેલ હતું પરંતુ ચાલુ વર્ષે કોવિડ -૧૯ના નિયમમાં છૂટછાટ થતાં તેમજ જે તે વખતે કોવિડ-૧૯ની ગાઈડ લાઇન ને ધ્‍યાને લઈ સંપૂર્ણ નિયમ ના પાલન સાથે આ વર્ષે વસંત પંચમી ના દિવસે સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજ લગ્ન મહોત્‍સવ સમિતિ દ્વારા તેમજ અધ્‍યક્ષ જશાભાઈ બારડ દ્વારા આ સમૂહ લગ્ન કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
આ આગિયારમાં સમૂહ લગ્ન મહોત્‍સવના આયોજનમાં કારડીયા રાજપૂત સમાજના બહોળી સંખ્‍યામાં દીકરા દીકરીઓ જોડાય તેવી અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ મંત્રી જશાભાઈ બારડે અપીલ કરી છે. સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં ખાસ વિશેષતા એ છે કે સમૂહ લગ્નમાં જોડતા કન્‍યા પક્ષ અને વર પક્ષ કોઈપણ કંકોત્રી કે વધામણું લેવાની પ્રથા બંધ કરેલ છે અને લગ્નના દિવસે સવારના ૬ વાગ્‍યે જાનમાં આગમન પછી બપોરના ૧૨ વાગ્‍યા સુધીમાં જમણવાર તેમજ લગ્નની તમામ વિધિ પૂર્ણ કરી તમામ જાનોને વિદાય કરવામાં આવે છે તેમજ સુત્રાપાડા ગામના કારડીયા રાજપૂત સમાજના તમામ લોકો આ દિવસે પોતાના કામ ધંધા તેમજ ખેતી કામ વગેરે સ્‍વયંભૂ બંધ રાખી અને હર્ષોલ્લાસથી આ સમૂહ લગ્નમાં જોડાય છે.
આ સમૂહ લગ્નમાં કારડીયા રાજપૂત સમાજના યુવાનો હોંશે હોંશે તન મન અને ધનથી જોડાઈને કામગીરી કરે છે અને આ દિવસે સુત્રાપાડા ગામના કારડીયા રાજપૂત સમાજનું સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં ૧૫ હજાર જેટલા લોકો સમૂહમાં ભોજન લ્‍યે છે અને કારડીયા રાજપૂત સમાજ સુત્રાપાડા દ્વારા આયોજિત સમૂહ લગ્નમહોત્‍સવમાં બહોળી સંખ્‍યામાં દીકરા દીકરીઓ જોડાય તેવી અપીલ કરવામાં આવે છે કારડીયા રાજપૂત સમાજમાં સ્‍વછતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો તેમજ સમાજમાં રહેલા કુરિવાજોને તિલાંજલિ વગેરે સમાજલક્ષી સામાજિક કાર્યોના સંકલ્‍પ પણ કરવામાં આવશે. તેમજ આ સમૂહ લગ્નની તારીખ ૫/૨/૨૦૨૨ ને વસંત પંચમીને દિવસે રાખવામા આવેલ છે લગ્ન નોંધણી કરાવવા માટે અને વધુ માહિતી માટે ટેલિફોન નંબર- ૯૯૦૪૨ ૧૪૭૫૮ તથા ૯૮૨૪૬ ૬૮૮૧૯ તથા ૯૯૦૪૦ ૯૩૧૫૫ આ મોબાઈલ નંબરો પર સંપર્ક કરવો તેવું અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજ ના પ્રમુખ અને પૂર્વ મંત્રી જશાભાઈ બારડની યાદીમાં જણાવવામાં આવેલ છે.

 

(11:04 am IST)