Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

બેટી પાસે ‘હિટ એન્‍ડ રન': અજાણ્‍યા વાહને બાઇકને ઉલાળતાં ભવાનભાઇ જોગરાણાનું મોત

બાઇક ચાલક રતિભાઇ લીંબડીયાને ઇજાઃ બંને કુવાડવાથી હટાણુ કરી પારેવડા જતા'તા ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૨૦: કુવાડવાના બેટી નજીક હિટ એન્‍ડ રનની ઘટનામાં અજાણ્‍યા વાહનનો ચાલક બાઇકને ઉલાળીને ભાગી જતાં બાઇક ચાલક પારેવડા ગામના કોળી વૃધ્‍ધ અને પાછળ બેઠેલા તેમના જ ગામના ભરવાડ વૃધ્‍ધ ફંગોળાઇ જતાં બંનેને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ભરવાડ વૃધ્‍ધનું મોત નિપજ્‍યું હતું.
જાણવા મળ્‍યા મુજબ પારેવડા ગામે રહેતાં રતિભાઇ રવજીભાઇ લીંબડીયા (કોળી) (ઉ.વ.૬૨) તથા તેના ગામના ભવાનભાઇ ધનાભાઇ જોગરાણા (ઉ.વ.૫૦) બાઇકમાં બેસી પોતાના ગામથી કુવાડવા ગામે હટાણું કરવા આવ્‍યા હતાં. અહિથી પરત પોતાના ગામે જઇ રહ્યા હતાં ત્‍યારે બેટી નજીક અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકર મારી ભાગી જતાં બાઇક ચાલક રતિભાઇ અને પાછળ બેઠેલા ભવાનભાઇ ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં રાજકોટ સારવારમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ભવાનભાઇ જોગરાણાએ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે ખેત મજૂરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ બે ભાઇમાં નાના હતાં. એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:09 am IST)