Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

લખતરમાં ૧૨ દિ'માં ૫૦ હજાર મણથી વધુ કપાસની આવક

ચેરમેન ઝલા દ્વારા સુશુપ્‍ત અવસ્‍થામાં રહેલ માર્કેટયાર્ડને બેઠું કરવાના પ્રયાસો સફળ : મણનો રૂા. ૧૭૦૦ ભાવ બોલાતા ૧ દિ'માં ૧૫૦ ટ્રેકટર ભરીને આવક : વેપારીઓ પાસેથી કોઇ કર નહીં લેતુ એક માત્ર યાર્ડ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૦: લખતર એપીએમસી ધણા સમયથી સુસુપ્ત અવસ્‍થામાં હતું. લખતર એપીએમસી ચેરમેન દ્વારા લખતર માર્કેટિંગ યાર્ડને બેઠું કરવા માટે પ્રયાસો હાથ ધરી કપાસની જાહેર હરરાજી શરૂ કરી હતી. જેમાં ખેડૂતોનો સહકાર મળતા ૧૨ દિવસમાં ૫૦ હજાર મણથી વધુ કપાસની આવક નોંધાઇ હતી.જયારે સોમવારના રોજ રૂ.૧૭૦૦ મણે ભાવ બોલાતા એક જ દિવસમાં લગભગ ૧૫૦ ટ્રેકટર ભરીને કપાસની આવક થઈ હતી.
લખતર ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિમાં શરૂ થયું ત્‍યારથી અત્‍યાર સુધીમાં જાહેર હરરાજીમાં ક્‍યારેય આ વર્ષ જેટલી કપાસની આવક થઈ નથી. ત્‍યારે લખતર એપીએમસમાં ચેરમેન તરીકે ચૂંટાયેલા હિતેન્‍દ્રસિંહ ઝાલા દ્વારા ખેડૂતોને પોતાનો માલ બહાર વેંચવા ન જવું પડે તે માટે થઈને ખેડૂત વેપારીઓની બેઠક બોલાવી હતી.જયારે પહેલા નોરતે એટલે કે તા.૭ ઓકટોબરથી કપાસની જાહેર હરરાજી શરૂ કરી છે. ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના વિઝનને ધ્‍યાનમાં રાખીને કામગીરી કરતા હોય તેમ ખેડૂત વેપારીઓ પાસેથી કોઈપણ જાતનો શેષ કે ટેક્‍સ લેવામાં આવતો નથી જેથી તેનો સીધો ફાયદો ખેડૂતોને માલનાં ભાવમાં થઈ શક્‍યો હતો. આ જાહેર હરરાજી થકી યાર્ડ ધમધમતું થયું છે.આથી છેલ્લા ૧૨ દિવસમાં ૫૦ હજાર મણથી વધુ કપાસની ખરીદ વેચાણ થયુ છે.જયારે તા.૧૮-૧૦-૨૧ને સોમવારે એક જ દિવસમાં ૧૫૦ ટ્રેકટર કપાસ આવ્‍યો હતો જે એક રેકોર્ડ છે જેના કારણે લીંબડી, વઢવાણ સહિતના આસપાસનાં તાલુકામાં ખેડૂતો માલ લઈ લખતર એપીએમસી વહેંચવા આવે છે.
સમગ્ર ગુજરાતમાં હાલમાં લખતરનું એકમાત્ર એપીએમસી એવું છે જે વેપારી પાસેથી કોઈપણ જાતનો ટેક્‍સ કે શેષ લેવામાં આવતો નથી. જેનો સીધો ફાયદો ખેડૂતોને તેઓનાં માલનાં ભાવમાં થાય છે.તેમ હિતેન્‍દ્રસિંહ ઝાલા, (એપીએમસી ચેરમેન-લખતર)એ જણાવ્‍યું છે.

 

(11:45 am IST)