Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પોરબંદર વ્યાજખોરના ત્રાસથી યુવાન દ્વારા ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ

વ્યાજે લીધેલા ૩ લાખનું અધધ... રૂ.૧૧.૮૦ લાખનું વ્યાજ!

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૦: ખાપટ વિસ્તારમાં રહેતા અને ચાની હોટલ ચલાવતા રણમલભાઇ જીવાભાઇ ઓડેદરા નામના યુવાને વ્યાજખોરના ત્રાસથી ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા તેમને હોસ્પિટલે ખસેડાયેલ છે.

ખાપટ વિસ્તારમાં રહેતા રણમલભાઇ જીવાભાઇ ઓડેદરાએ ૧૦ ટકા વ્યાજ લીધેલા ૩ લાખ રૂપિયા કટકે કટકે વ્યાજ ઉપરાંત વધારાની રકમ મળીને કુલ ૧૧,૮૦,૦૦૦ ચુકવી દીધા છતાં વ્યાજખોરે વધુ રકમ ભરવા ત્રાસ શરૂ કરેલ હતો. વ્યાજે રૂપિયા લેનાર રણમલભાઇએ અમુક રકમનો ચેક આપેલ જે વ્યાજખોરે બેન્કમાં આપવાને બદલે તેમની પાસે અમુક સમય રાખેલ પછી કેટલાંક સમય પછી બેન્કમાં આ ચેક આપતા રીર્ટન થયેલ અને જે આધારે બેન્ક દ્વારા નોટીસ અપાઇ હતી. ત્યારપછી વ્યાજખોરે ધમકી આપતા કેટલીક રકમ ચુકવી દીધી હતી. વ્યાજખોરેને વ્યાજે લીધેલી રકમ અને પુરતુ વ્યાજ ચુકવી દીધું હતું. છતાં ત્રાસ ચાલુ રહ્યાનું સરકારી હોસ્પિટલે સારવાર લેતા રણમલભાઇ ઓડેદરાએ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું.

ફીનાઇલ પી જનાર રણમલભાઇએ જણાવેલ કે તેમણે વ્યાજે લીધેલી રકમ ચુકવી આપવા એરડા ગામમાં પોતાની ૩ દુકાનો તથા મકાન વેચી વ્યાજે લીધેલી રકમ ભરી આપી હતી.

ઉદ્યોગનગર પોલીસે રણમલભાઇના નિવેદનના આધારે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(12:43 pm IST)