Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પોરબંદરની વિવિધ સેવાભાવી સંસ્થામાં કાલથી સમુહ ભાગવત કથાઃ રેકર્ડબ્રેક ૩પ૦ પોથી નોંધાઇ

કોરાનામા મૃત્યુ થયેલ સદ્દગતોના આત્માની શાંતિ માટે સમુહ ભાગવત કથાઃ આયોજનને સફળ બનાવવા વિવિધ સમિતિ

પોરબંદર તા. ર૦ : વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા કાલથી શરૂ થઇ રહેલ સમુહ ભાગવત કથા માટે રેકર્ડબ્રેેક ૩પ૦ પોથી નોંધાઇ છે.

જીલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે સમુહ ભાગવત સપ્તાહનું આયોજન કાલે તા.ર૧ થી કરવામાં આવ્યું છે. કોરોના મહામારી સમયે પોરબંદર વિસ્તારના અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. આ સમય દરમિયાન સરકારની ગાઇડલાઇન અને એ સમયની ભયંકર પરિસ્થિતિના કારણે આ મૃતકોની અંતિમવિધી પણ આપણા ધાર્મિક રીવાજ પ્રમાણે થઇ શકતી નહોતી. મૃતકોના સ્વજનો મૃતકના મૃત્યુ પાછળની ધાર્મિક વિધીઓ પણ કરી શકયા ન હોતા આથી આવા મૃતક આત્માઓના જીવની શાંતિ માટે પોરબંદરની સેવાભાગી સંસ્થાઓ દ્વારા સમુહ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તે અંગેની અગત્યની બેઠકનું આયોજન ઝૂંડાળાના મહેર સમાજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં રપ જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ૩પ૦ જેટલી પોથીઓ નોંધાઇ હોવાનું જાહેર થયું હતું. આ આયોજનમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વપ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાનો પણ સહયોગ સાંપડયો છે.

સમુહ સપ્તાહની તૈયારીઓના ભાગરૂપે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે તેમ જણાવીને રામદેભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, તા.ર૧ થી ર૭ સુધી બપોરે ૩ થી ૬ ઝૂંડાળા મહેર સમાજ ખાતે સમુહ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહમાં વકતા તરીકે પ્રખ્યાત કથાકાર જીવણભગત વ્યાસપીઠ પર બિરાજશે.

આ આયોજનમાં રપ જેટલી સેવાભાવી સંસ્થાઓ ખારવા ચિંતન સમિતિ, જેસીઆઇ પોરબંદર પ્લસ, લાયન્સ કલબ ઓફ પોરબંદર, લાયન્સ કલબ ઓફ પોરબંદર પ્રાઇડ, રોટરી કલબ ઓફ પોરબંદર, રસીકબાપા રોટલાવાળા ચેરીટેબલ ટ્રસ્ટ, તિરૂપતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, ભુરાભાઇ મુંજાભાઇ જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટ, હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, પાયોનીયર કલબ, લાલબતીવાળા મામાદેવ ચેરીટેબલ, શકિત મિત્ર મંડળ, કુંભારવાડા, માહિત ગ્રુપ ઓફ પોરબંદર, કોવિડ હેલ્પ એશોસીએશન, સ્વસ્તીક ગ્રુપ ઓફ પોરબંદર, જલારામ મિત્ર મંડળ, ભાવેશ્વર મિત્ર મંડળ, વછરાજ મિત્ર મંડળ, રામદેવ યુવક મંડળ, પોરબંદર કોળી, ભોંઇ સમાજ પોરબંદર, જલારામ સમાજ સેવા ટ્રસ્ટ છાંયા, વલ્લભપ્રભુ સત્સંગ મંડળ, પોરબંદર, વિરાજ ગ્રુપ ઓફ પોરબંદર વગેરેનો સહયોગ સાંપડયો છે. આયોજનને સફળ બનાવવા માટે ગુજરાત કોંગ્રેસના પુર્વપ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા અને જુદી-જુદી  સમિતિઓ તેમજ જહેમત ઉઠાવી રહેલ છે તેમ આયોજકોવતી લાખણશીભાઇ ગોરાણીયા, પીયુશભાઇ મોઢવાડીયા, ધર્મેશભાઇ પરમાર, અશ્વિનભાઇ મોતીવરસ, હેમંતભાઇ મોકરીયા, અશોકભાઇ કોટેચા સહિતની ટીમે જેહમત ઉઠાવી રહ્યા છે.

(12:44 pm IST)